- પીએમ મોદીની વધુ એક મોટી યોજના
- હવે દરિયાઇ વિસ્તારોમાં કરાશે રોકાણ
- 6 લાખ કરોડ રૂપિયાનું કરાશે રોકાણ
દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બંદર ક્ષેત્રે 15 વર્ષમાં 82 અરબ ડોલરના રોકાણને આકર્ષિત કરવાની ભારતની યોજનાનો ઉલ્લેખ કરતા વૈશ્વિક રોકાણકારોને ભારતને તેમની પસંદગીનું રોકાણ સ્થળ બનાવવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે,2035 સુધીમાં ભારતમાં દરિયાઇ ક્ષેત્રમાં 82 અરબ ડોલર એટલે કે છ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, દરિયાઇ શિપિંગ ક્ષેત્રે સ્વચ્છ ઉર્જા ઉપયોગમાં વધારો કરવામાં આવશે,જળમાર્ગ વિકસિત કરવામાં આવશે,દરિયાકાંઠાની સેવાઓ શરૂ કરવામાં આવશે અને લાઇટહાઉસને દરિયાકાંઠાના વિસ્તારોમાં પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે.
પીએમ મોદીએ કહ્યું કે, સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત 574 થી વધુ પ્રોજેક્ટ્સની ઓળખ કરવામાં આવી છે. આના પર 82 અરબ ડોલર એટલે કે છ લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. આ પરિયોજનાઓ પર 2035 સુધી કામ પૂર્ણ કરવાનું છે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે,અમે બંદર ક્ષેત્રમાં ખાનગી રોકાણને પ્રોત્સાહિત કરીશું.ભારતની લાંબી તટીય રેખા તમારી રાહ જોઇ રહી છે, ભારતના પરિશ્રમશીલ લોકો તમારી રાહ જોઈ રહ્યા છે. અમારા બંદરમાં રોકાણ કરો,અમારા લોકોમાં રોકાણ કરો અને ભારતને તમારું પસંદનું વ્યવસાય સ્થળ બનાવો. તમારા વેપાર અને વાણિજ્ય માટે ભારતીય બંદરોને તમારું બંદર બનાવો.
-દેવાંશી