દિલ્હી:મોદી સરકાર મોંઘવારીમાંથી રાહત આપવા માટે આમ જનતાને મોટી ભેટ આપી શકે છે. સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 10 રૂપિયાનો ઘટાડો કરી શકે છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર,ઇંધણની કિંમતોમાં ઘટાડો કરવા માટે રોડમેપ તૈયાર કરવા માટે PMO, નાણાં મંત્રાલય અને પેટ્રોલિયમ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે તાજેતરમાં એક બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાના વિવિધ ફોર્મ્યુલા અને વિકલ્પો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડાનો બોજ સરકાર અને તેલ કંપનીઓ બંને સંયુક્ત રીતે ઉઠાવશે. ગયા વર્ષે 22 મેથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL) અનુસાર, આજે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂ. 96.72 અને ડીઝલનો ભાવ રૂ. 89.62 પ્રતિ લીટર છે. તે જ સમયે, આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમત 106.31 રૂપિયા અને ડીઝલની કિંમત 94.27 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નાઈની વાત કરીએ તો અહીં પેટ્રોલની કિંમત 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે કોલકાતામાં પેટ્રોલ 106.03 રૂપિયા અને ડીઝલ 92.76 રૂપિયા પ્રતિ લીટર છે.
ક્રૂડ ઓઈલ મોંઘુ થયા બાદ 2022માં ઓઈલ કંપનીઓને પેટ્રોલ પર 17 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 35 રૂપિયા સુધીનું નુકસાન થઈ રહ્યું હતું, પરંતુ ક્રૂડ ઓઈલની કિંમતમાં ઘટાડો થયા બાદ સ્થિતિ બદલાઈ ગઈ છે અને ઓઈલ કંપનીઓ પેટ્રોલ પર લીટર દીઠ રૂ. 8 થી 10 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 3 થી 4 રૂપિયા પ્રતિ લીટરનો નફો થાય છે.
કાચા તેલની કિંમત તેના 52 સપ્તાહના નીચલા સ્તરની આસપાસ છે. બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $76 આસપાસ છે અને WTI ક્રૂડ પ્રતિ બેરલ $71 આસપાસ છે. આ અઠવાડિયે ક્રૂડ ઓઈલમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ વૈશ્વિક સ્તરે ઓછી માંગ છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે કાચા તેલની કિંમત ભવિષ્યમાં પણ નીચી રહી શકે છે.