નવી દિલ્હી: ફિજીના નાડીમાં આગામી વિશ્વ હિન્દી પરિષદ 15-17 ફેબ્રુઆરી 2023 દરમિયાન યોજાશે. વિદેશ મંત્રી એસ જયશંકરે આ પ્રસંગે 12મી વિશ્વ હિન્દી કોન્ફરન્સના માસ્કોટ અને વેબસાઈટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દીને સત્તાવાર ભાષા તરીકે સામેલ કરવાના પ્રયાસો ચાલુ છે. થોડી પ્રગતિ થઈ છે, પરંતુ તેમાં સમય લાગશે.
જયશંકરની ઉપસ્થિતિમાં સુષ્મા સ્વરાજ ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં વિશ્વ હિન્દી પરિષદના લોગોનું વિમોચન કરવામાં આવ્યું હતું, જેના માટે એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ કોન્ફરન્સમાં રજીસ્ટ્રેશન અને અન્ય માહિતી માટે વેબસાઈટ લોન્ચ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદેશ મંત્રીએ કહ્યું કે યુનેસ્કોમાં હિન્દીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
જ્યાં સુધી સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં હિન્દીના ઉપયોગનો સવાલ છે, અમે આ સંદર્ભે સંયુક્ત રાષ્ટ્ર સાથે સમજૂતી કરાર (એમઓયુ) કર્યા છે. આ અંતર્ગત હાલમાં સોશિયલ મીડિયા અને ન્યૂઝલેટરમાં હિન્દીનો ઉપયોગ થઈ રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દીના સમાવેશ અંગે તેમણે કહ્યું કે, તેને વધારવામાં થોડો સમય લાગશે. યુએન પ્રક્રિયામાં નવી ભાષાનો સમાવેશ કરવો પણ એટલું સરળ નથી. પરંતુ, આ દિશામાં સતત પ્રગતિ થઈ રહી છે. અમે આશા રાખીએ છીએ કે તે થશે.
ડિજીટલ માધ્યમ દ્વારા અન્ય દેશોમાં હિન્દીના પ્રચાર અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, અમારો અનુભવ ડિજિટલ માધ્યમના ઉપયોગ અંગેનો છે, ખાસ કરીને આફ્રિકામાં સારો અનુભવ છે. તે શિક્ષણ, દવાના ક્ષેત્રમાં ડિજિટલ માધ્યમના ઉપયોગ સાથે સંબંધિત છે. તેમણે કહ્યું કે, સલાહકાર સમિતિની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. અમે હિન્દીના પ્રચાર માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા ઈચ્છીએ છીએ. આ પ્રસંગે ફિજી એમ્બેસીના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરને આ પ્રસંગે જણાવ્યું હતું કે ભારત સરકાર ફિજીમાં એક ભાષા પ્રયોગશાળા પણ સ્થાપશે, જે ત્યાંના લોકોને હિન્દી શીખવામાં મદદ કરશે. ફિજીમાં ત્રણ સત્તાવાર ભાષાઓ માન્ય છે, જેમાંથી એક હિન્દી છે. યુનાઈટેડ નેશન્સ (2020) મુજબ, ફિજીની વસ્તી લગભગ 8,96,000 છે અને તેમાંથી 30 ટકાથી વધુ ભારતીય મૂળના છે.