વિપક્ષી નેતાઓને નાગરિક સમ્માનની મોદી સરકારની પહેલ, શું પૂર્વ વડાપ્રધાન પી.વી.નરસિમ્હારાવને પણ ભારતરત્ન મળશે?
નવી દિલ્હી: સામાન્ય રીતે સત્તારુઢ પક્ષ તરફથી પોતાના વિરોધી પક્ષોના નેતાઓને સમ્માનિત કરવાની પરંપરા રહી નથી. પરંતુ નરેન્દ્ર મોદી સરકારે આ પરંપરા બદલી છે. મોદી સરકારે પોતાના જૂના નેતાઓને નાગરિક સમ્માન આપવાની શરૂઆત કરી છે. પહેલા ભાજપ પોતાના જૂના નેતાઓને નાગરિક સમ્માનથી નવાજતું ન હતું. 6 વર્ષ સુધી વડાપ્રધાન રહેવા દરમિયાન અટલ બિહારી વાજપેયીની સરકારે જનસંઘના સંસ્થાપક નેતાઓને સમ્માનિત કર્યા ન હતા. પરંતુ નરેન્દ્ર મોદીના સત્તામાં આવ્યાના એક વર્ષ બાદ જ અટલ બિહારી વાજપેયીને ભારતરત્નથી સમ્માનિત કરવામાં આવ્યા.
કોંગ્રેસના શાસનની વાત કરીએ, તો જવાહરલાલ નહેરુથી લઈને ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી સુધીના નેતાઓને ભારતરત્ન એનાયત કરવામાં આવ્યો હતો. પરંતુ ભાજપના શાસનમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય અથવા શ્યામાપ્રસાદ મુખર્જીને ભારતરત્ન અપાયો ન હતો. હવે નરેન્દ્ર મોદી સરકારે લાલકૃષ્ણ અડવાણીને ભારતરત્ન આપ્યો છે અને તેમના પહેલા નાનાજી દેશમુખને પણ સમ્માનિત કર્યા.
મોદી સરકારે વિપક્ષી નેતાઓને પણ નાગરિક સમ્માનથી સમ્માનિત કર્યા છે. સૌથી પહેલા પ્રણવ મુખર્જીને ભારતરત્ન આપવામાં વ્યો. તેમણે પોતાનું આખું જીવન કોંગ્રેસમાં વીતાવ્યું હતું. ભાજપ સરકારે તેમને સમ્માનિત કર્યા હતા.
તેવી જ રીતે અયોધ્યામાં કારસેવકો પર ગોળીબાર કરનારા મુલાયમસિંહ યાદવ કે જેમને ભાજપના જ નેતાઓ મુલ્લા મુલાયમ કહેતા હતા, તેમને પણ પદ્મવિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
આ સિવાય એનસીપીના સંસ્થાપક શરદ પવારને પણ દ્વિતિય સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મવિભૂષણ એનાયત કરવામાં આવ્યો.
આ સિવાય સમાજવાદી નેતા અને બિહારના જનનાયક કર્પૂરી ઠાકુરને મોદી સરકારે ભારતરત્નથી સમ્માનિત કર્યા. સવાલ એ છ કે આગળ હવે ક્યાં વિપક્ષી નેતાને સમ્માનિત કરવામાં આવશે? શું થોડા વધુ જૂના કોંગ્રેસી નેતાઓને ભારતરત્નથી સમ્માનિત કરવામાં આવશે? જો આ ટ્રેન્ડ ચાલુ રહેશે, તો આગામી નામ ભૂતપૂર્વ વડાપ્રધાન પી. વી. નરસિમ્હારાવનું પણ હોઈ શકે છે.