Site icon Revoi.in

વિભાજન સમયે કોંગ્રેસ નેતાઓએ વિખૂટા પડેલા લોકોને આપેલુ વચન મોદી સરકારે નિભાવ્યું: અમિત શાહ

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાંથી હિજરત કરીને દેશના અલગ અલગ ખૂણે વસેલા હિંદુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપતો કાયદો એટલે કે CAA પર નિવેદન આપતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે આ કાયદાથી કોઇની નાગરિકતા છીનવાશે નહી, આથી કોઇએ ડરવાની જરૂર નથી. એ તમામ લોકો કે જેમણે 15 ઓગસ્ટ 1947થી 31 ડિસેમ્બર 2014 સુધીમાં ભારતમાં પ્રવેશ કર્યો હોય તેવા શરણાર્થીઓને આ કાયદા હેઠળ ભારતીય નાગરિકતા મળશે.

જે લોકો અખંડ ભારતનો જ ભાગ હતા અને તેમને ધર્મને કારણે ભેદભાવ તથા ત્રાસનો સામનો કરવો પડતો હતો, તેમને નાગરિકતા આપવી એ આપણી બંધારણીય જવાબદારી છે. વિભાજન સમયે કોંગ્રેસ નેતાઓએ તેમના ભાષણમાં કહ્યું હતું કે વિભાજન સમયે વિખૂટા પડેલા લોકો જ્યારે ભારત આવશે ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવશે, એ વચન કોંગ્રેસે નિભાવ્યું નહી પરંતુ આજે નરેન્દ્ર મોદી સરકાર એ વચનનું પાલન કરી રહી છે.

આ સાથે જ તેમણે વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે 2019 માં જ આ બિલ સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. કોરોનાને કારણે થોડો વિલંબ થયો હતો. વિપક્ષ તુષ્ટિકરણની રાજનીતિ કરીને વોટબેંક મજબૂત કરવા માંગે છે. તમામ વિપક્ષો પછી તે અસદુદ્દીન ઓવૈસી હોય, રાહુલ ગાંધી હોય, મમતા બેનર્જી હોય કે કેજરીવાલ હોય, તેઓ જૂઠાણાની રાજનીતિ કરી રહ્યા છે.  કેન્દ્ર સરકાર દ્વારા સીએએનો અમલ શરૂ કરતા કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ મોદી સરકાર ઉપર આક્ષેપ કરી રહ્યાં છે.