દિલ્હી :કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા રાજ્યના નર્મદા જિલ્લામાં એકતા નગર, ટેન્ટ સિટી-૨ ખાતે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરના અધ્યક્ષપદે અને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરી અને શોભા કરંદલાજેની પ્રેરક ઉપસ્થિતિમાં “વિશ્વ મધમાખી દિવસ ”ની ઉજવણીના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુકાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 20 મે, ને વિશ્વ મધમાખી દિવસ તરીકે જાહેર કર્યો છે. ત્યારે આ ક્ષેત્રમાં મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપીને દેશના નાના ખેડૂતોને મહત્તમ લાભ આપવાની સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ હોવાનું કેન્દ્રીય મંત્રી તોમરે જણાવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાત રાજ્યને વિશ્વક્ષેત્રે એક નવી ઓળખ અપાવી હતી તેમ મંત્રી તોમરે ઉમેર્યું હતું.
મધુપાલકોને ક્ષમતાવર્ધન-દિશાનિર્દોશોની સાથે શિક્ષણ-પ્રશિક્ષણથી તાલીમબદ્ધ કરીને તેમણે ઉત્પાદન કરેલ મધ થકી સારી આવક મેળવે તે દિશાના પ્રયાસો પણ સરકાર દ્વારા હાથ ધરાયા છે. દેશના ખેડૂતો મધમાખીપાલનના વ્યવસાય સાથે સંકળાઈને પ્રગતિ સાધવા ઉપરાંત જિલ્લાના ખેડૂતો આ વ્યવસાય સાથે સંકળાઈને સારી ઉપજ મેળવી રહ્યાં છે. વર્ષ 2022-23માં મધમાખી ઉછેર કરનારા હિતધારકો વધુ રોજગારી મેળવે તે માટે સરકારશ્રી 10 કરોડની માતબર રકમ ફાળવણી દ્વારા 10 હજાર ખેડૂતોને લાભાન્વિત કરાશે. આ સાથે દેશમાં હરિત ક્રાંતિક્ષેત્રે વધુ એક આગવી સિધ્ધિ હાંસલ થશે તેવો આશાવાદ તોમરે વ્યક્ત કર્યો હતો.
કેન્દ્રીય મંત્રી તોમરના હસ્તે વર્ચ્યુઅલના માધ્યમથી ગુજરાતમાંથી જમ્મુ કશ્મીરમાં પુલવામા, બાંદીપોરા, કર્ણાટકના તુમકુર, ઉત્તર પ્રદેશના સહારનપુર તથા પૂણે અને ઉત્તરાખંડ ખાતે સ્થાપિત મધ ટેસ્ટિંગ લેબનું પાંચ રાજ્યોમાં સાત સ્થળોએ મધ ટેસ્ટિંગ લેબ અને પ્રોસેસિંગ યુનિટનું ઉદ્ઘાટન પણ કરાયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી તોમર અને ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે મીઠી ક્રાંતિ અને મધમાખી પાલન પુસ્તકનું વિમોચન કરાયું હતું.
કેન્દ્રીય મંત્રી તોમરે જમ્મુ, સહરાનપુર, પુલવા,ઉતરાખંડ, મહારાષ્ટ્ર સહિત વિવિધ રાજ્યોના મધમાખી ઉછેરકારો સાથે વર્ચ્યુઅલી સંવેદનાસભર સંવાદ સાધ્યો હતો.આ પ્રસંગે મધમાખી ઉછેર કરનારાઓમાં મધમાખી ઉછેરના વૈજ્ઞાનિક જ્ઞાનને વધારવા માટે “ઉત્પાદન ટેકનોલોજી અને વૈજ્ઞાનિક ઢબે મધમાખી ઉછેરનું સંશોધન અને વિકાસ – અનુભવની વહેંચણી અને પડકારો” અને “માર્કેટિંગના પડકારો અને ઉકેલો (ઘરેલુ/વૈશ્વિક)” પર ચર્ચા અને તકનીકી સત્રોની સાથે નાગરિકોને સ્વસ્થ રાખવા અને આ વિષયના વિવિધ પડકારોનો ઉકેલ લાવવામાં મધમાખીઓ અને અન્ય પરાગ રજકોની ભૂમિકા મહત્વની છે, તે વિશે જાગૃતિ લાવવા માટે વિચારોનું આદાનપ્રદાન કરાયું હતું.
કાર્યક્રમના પ્રારંભે નરેન્દ્રસિંહ તોમરે મધમાખી ઉછેર ક્ષેત્રની વિવિધ જાતો અને ઉત્પાદનોને પ્રદર્શિત કરવા માટે મધમાખી ઉછેર કરનારાઓ, પ્રોસેસર્સ અને મધમાખી ઉછેર ક્ષેત્ર સાથે સંકળાયેલા વિવિધ હિતધારકો દ્વારા સ્ટોલ સાથેનું પ્રદર્શન યોજવામાં આવેલ તેને રિબીન કાપીને ખૂલ્લુ મુક્યુ હતું અને વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ જાત માહિતી મેળવી હતી. મધુક્રાંતિ પોર્ટલ માટેની અમલીકરણ એજન્સી ઇન્ડિયન બેંક દ્વારા મધમાખી ઉછેર કરનારાઓની આજીવન નોંધણી અભિયાન હેઠળ ખાસ એક સ્ટોલ પણ ઉભો કરવામાં આવ્યો હતો.