Site icon Revoi.in

‘મોદી@20: ડ્રીમ્સ મીટ ડિલિવરી’ પુસ્તકનું ગુજરાતી સંસ્કરણ જનસમર્પિત કરશે

Social Share

અમદાવાદઃ ‘મોદી@20:સપના થયા સાકાર’નું 17મી ઓક્ટોબરના રોજ ગાંધીનગર ખાતે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિમોચન  કરશે.  આ પ્રસંગે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર પણ ઉપસ્થિત રહેશે.

ગત વર્ષ 2021માં નરેન્દ્ર મોદીએ સરકારના પ્રધાન સેવક તરીકે સતત ૨૦ વર્ષ પૂરા કર્યા છે. મોદી@20 પુસ્તક 20 વર્ષના સુશાસનની પ્રતીતિ કરાવતું રસપ્રદ પુસ્તક છે, જેમાં તેમના સેવેલા સપનાઓની ‘સ્વપ્નથી સિદ્ધિ’ સુધીના પ્રયાણની સફર આદર્શ રીતે વર્ણવવામાં આવી છે. પુસ્તકની પ્રસ્તાવના ભારતરત્ન સ્વ. લતા મંગેશકરજીએ લખી છે. પુસ્તકમાં ગુજરાત અને ભારતને “કલ્યાણ રાજ્ય” બનાવવાની દિશામાં વડાપ્રધાનએ જે ભગીરથ કાર્ય આદર્યું છે તેનું તાર્કિક વિગતો સાથે રસપ્રદ વર્ણન કરવામાં આવ્યું છે. આ પુસ્તક એવા સ્વપ્નદ્રષ્ટા માનવ વિશે છે જેમણે દીર્ઘદ્રષ્ટિ અને લાંબાગાળાના આયોજનને દરેક આફતને અવસરમાં બદલીને ભારત અને વિશ્વને નવી રાહ ચીંધી છે.

પુસ્તકમાં રાષ્ટ્રીય-વૈશ્વિક કક્ષાના વિવિધ બિંદુઓ ઉપર કુલ પાંચ વિભાગો છે. જેમાં ભારતના ગૃહ-સહકાર મંત્રી અમિત  શાહ, વિદેશ મંત્રી એસ.જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, અર્થશાસ્ત્રી અરવિંદ પનગઢિયા, અભિનેતા અનુપમ ખેર, બ્યુરોક્રેટ્સ નૃપેન્દ્ર મિશ્રા, પર્યાવરણવિદ અને આધ્યાત્મિક ગુરુ સદગુરુ,  ભારતરત્ન સ્વ. ડૉ. લત્તા મંગેશકરજી, સમાજસેવિકા સુધા મૂર્તિ અને બેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુ સહિત વિવિધ ક્ષેત્રના 22 પ્રબુદ્ધો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના વિવિધ પાસાઓ પ્રસ્તુત કરાયા છે.

પુસ્તકના પ્રથમ ભાગમાં મોદી શાસનની સામાજિક અસરોનું તલસ્પર્શી વર્ણન કરાયું છે. બીજા ભાગમાં રાજકીય અને સાંસ્કૃતિક અસરો, ત્રીજા ભાગમાં અર્થશાસ્ત્ર અને ચોથા ભાગમાં મોદી સરકારના વિવિધ પાસાઓનું વર્ણન કરતું ગુડ ગવર્નન્સ મોડલ, નાગરિક જોડાણ અને ટેક્નોલોજીનો ઉપયોગ જ્યારે પાંચમાં અને અંતિમ ભાગમાં ભારતની વસુધૈવ કુટુંબકમ્ ભાવના ચરિતાર્થ કરવાની પરિભાષા સુપેરે અંકિત કરવામાં આવી છે.