નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024થી પહેલા ભાજપ મોટો પ્રયોગ કરતું દેખાય રહ્યું છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ સોશયલ મીડિયા પર નામની આગળ મોદી કા પરિવાર જોડી રહ્યા છે તેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડા, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહીતના ઘણાં દિગ્ગજોના નામ સામેલ છે. સોમવારે એક રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ‘મૈં હૂં મોદી કા પરિવાર’નું સૂત્ર આપ્યું હતું.
અમિત શાહ અને જે. પી. નડ્ડા સિવાય કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, ડૉક્ટર વિરેન્દ્ર કુમાર, ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામી, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, અનુરાગ ઠાકુર, પ્રવક્તા સંબિત પાત્રા, રાજ્યસભાના સાંસદ સુધાંશુ ત્રિવેદી, કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ, ગિરિરાજ સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા, સાંસદ મનોજ તિવારી, પ્રેમસિંહ તમાંગ સહીતના ઘણાં મોટા નેતાઓએ સોશયલ મીડિયા પર નામ બદલ્યા છે.
ખાસ વાત એ છે કે આ પહેલ એવા સમયે શરૂ થઈ છે, જ્યારે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયામાં સામેલ રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુપ્રસાદ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરિવાર પર સવાલ ઉઠાવ્યો હતો. બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવે ત્યાં સુધી કહી દીધું હતું કે અમે શું કરી શકીએ કે પીએમ મોદીનો પરિવાર નથી. તેમણે પટનાના ગાંધી મેદાનમાં થયેલી મહારેલીમાં આ ટીપ્પણી કરી હતી.
લાલુ યાદવે કહ્યુ હતુ કે કોણ છે નરેન્દ્ર મોદી? તે અમારા પર વંશવાદની રાજનીતિનો આરોપ લગાવી રહ્યા છે. જો મોદીનો ખુદનો પરિવાર નથી તો અમે શું કરી શકીએ? કેમ તેમના બાળકો નથી? તે અસલી હિંદુ પણ નથી. તેમણે કહ્યુ હતુ કે હિંદુ પરંપરાઓમાં માતાપિતાના નિધન પર પુત્ર માથાના વાળ અને દાઢી કપાવે છે. જ્યારે મોદીના માતાનું નિધન થયું, ત્યારે તેમણે આવું કર્યું નહીં.
તેલંગાણાના કાર્યક્રમમાં પરિવારવાદના મુદ્દે પીએમ મોદીએ આકરા વાકપ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તુષ્ટિકરણમાં આકંઠ ડૂબેલા ઈન્ડી ગઠબંધનના નેતા બોખલાય ગયા છે. હું તેમના પરિવારવાદ પર સવાલ ઉઠાવી રહ્યું છું. તો આ લોકોએ હવે બોલવાનું શરૂ કર્યું છે કે મોદીનો કોઈ પરિવાર નથી. હું તેમને કહેવા માંગુ ચું કે 140 કરોડ દેશવાસી જ મારો પરિવાર છે, જેનું કોઈ નથી તે પણ મોદીના છે અને મોદી તેમનો છે. મારું ભારત-મારો પરિવાર છે.