દેશમાં મોદીની ગેરેન્ટી એટલે કામ પુરૂ થવાનો 100 ટકા વિશ્વાસ, એટલે જ લોકોને ભરોસો છેઃ PM મોદી
રાજકોટઃ સૌરાષ્ટ્રની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બપોર બાદ દ્વારકાથી રાજકોટ આવી પહોંચ્યા હતા. વડાપ્રધાને એઇમ્સની 250 બેડની IPDનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાને રાજકોટના જૂના એરપોર્ટથી રેસકોર્સ મેદાન પર સભા સ્થળ સુધીના રૂટ પર રોડ શો કર્યો હતો. રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રોડની બન્ને સાઈડ જનતા જનાર્દને મોદીનું અભિવાદન કર્યું હતું. અને મોદી મોદીના નારા લાગ્યા હતા. રોડ શો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભા સ્થળે પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, કેન્દ્રીય મંત્રી, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. વડાપ્રધાનની રાજકોટ મુલાકાતને લઇ શહેર ભગવા રંગે રંગાયું છે.
વડાપ્રધાન મોદીએ રાજકોટ સહિત સમગ્ર દેશને 48,000 કરોડના વિકાસકામોની ભેટ આપી હતી. જેમાં 10 પાવર પ્રોજેક્ટ, મુંદ્રાથી પાણીપત સુધી ક્રૂડ ઓઇલની પાઇપલાઇન, સિક્સલેન હાઇવે સહિતના 25,500 કરોડથી વધુ પ્રોજેક્ટોના ખાતમુહૂર્તો અને 5 એઇમ્સ, ભાવનગરમાં બે હાઇવે, ખાવડા પીએસ ખાતે 3 ગીગાવોટ રિન્યૂએબલ એનર્જી ઇન્જેક્શનના ઇવેક્યુએશન માટેની ટ્રાન્સમિશન સ્કિમ, આરોગ્યલક્ષી વિવિધ પ્રોજેક્ટો સહિત રૂપિયા 22,500 કરોડ પ્રોજેક્ટના લોકાર્પણનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન મોદીએ રાજકોટમાં જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે, જે 60 દાયકામાં નહોતું થયું તેનાથી વધુ છેલ્લા 10 વર્ષમાં અમારી સરકાર દેશને સમર્પિત કરી રહી છે. આજે દેશ કરી રહ્યો છે મોદીની ગેરેન્ટી એટલે પૂરુ થવાની ગેરેન્ટી. મોદીની ગેરન્ટી પર લોકોને ભરોસો કેમ છે તેનો જવાબ રાજકોટની એઇમ્સથી થઇ છે. ઉત્તરપ્રદેશના રાયબરેલીને એઇમ્સની ગેરન્ટી આપી હતી. કોંગ્રેસના શાહી પરિવારે રાયબરેલીમાં માત્ર રાજકારણ કર્યું, મોદીએ કામ કર્યું છે. પાંચ વર્ષ પહેલા શિલાન્યાસ કર્યો હતો અને આજે લોકાર્પણ કર્યું છે.
અમારી સરકાર વધુ એક યોજના લઇને આવી છે. અમે વિજળીનું બિલ ઝીરો કરી રહ્યા છીએ. વિજળીથી પરિવારને કમાણી થયા તેવું પણ કામ કરી રહ્યા છીએ. PM સૂર્યઘર મફત વિજળીના માધ્યમથી અમે દેશના લોકોને બચત પણ કરાવી શું અને કમાણી પણ કરાવીશું. આ યોજનામાં જોડાનાર લોકોને 300 યુનિટ ફ્રી વિજળી મળશે અને વધારાની વિજળી સરકાર ખરીદશે અને તેમને પૈસા આપશે. અમે દરેક પરિવારને સૌર ઉર્જાના ઉત્પાદક બનાવી રહ્યા છીએ. તો બીજી તરફ સૂર્ય અને પવન ઉર્જાના મોટા પ્લાન્ટ લગાવી રહ્યા છીએ. આજે કચ્છમાં બે મોટા સૌલર પ્રોજેક્ટ અને વિન્ડ એનર્જી પ્રોજેક્ટનું શિલાન્યાસ થયું છે. તેનાથી રિન્યુબલ એનર્જીના ઉત્પાદનમાં ગુજરાતની ક્ષમતા વધશે. દસ વર્ષ પહેલાં દેશમાં 390 મેડિકલ કોલેજ હતી ત્યારે આજે 706 મેડિકલ કોલેજ છે. દસ વર્ષ પહેલાં MBBSની સીટો 50 હજાર હતી. આજે એક લાખથી વધું છે. 10 વર્ષ પહેલાં મેડિકલની પોસ્ટ ગ્રેજ્યુએટ સીટો 30 હજાર હતી. આજે 70 હજારથી વધુ છે. આગામી વર્ષોમાં જેટલા પણ યુવા ડોક્ટર બનાવ જઈ રહ્યા છે એટલા તો આઝાદીના 70 વર્ષમાં પણ નથી બન્યા. આ અમારી સરકારની સિદ્ધિ છે.