નવી દિલ્હીઃ મોહાલીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ મેચમાં વિકેટકીપર ઋષભ પંત ભલે સદીથી ચાર રન દૂર રહ્યો હતો, પરંતુ સૌરાષ્ટ્રના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 228 બોલમાં અણનમ 175 રન બનાવ્યા હતા. જાડેજાએ બેટીંગમાં 3 સિક્સર અને 11 ચોગ્ગા ફટકાર્યાં હતા. જાડેજાની બેટીંગ સામે શ્રીલંકાના બોલરો લાચાર જોવા મળ્યાં હતા. રવિન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય કેરિયરમાં સૌથી વધારે રન ફટકાર્યાં હતા.
33 વર્ષીય જાડેજાની શાનદાર ઇનિંગ્સ અને ત્રણ સદીની ભાગીદારીના પરિણામે ભારતે પ્રથમ ટેસ્ટના બીજા દિવસે ચાના પહેલા 129.2 ઓવરમાં આઠ વિકેટે 574 રન બનાવ્યાં હતા. ટીમ ઈન્ડિયાએ 574 રન ઉપર ઈનિંગ્સ ડિકલેર કરી હતી. કેપ્ટન રોહિત શર્માએ ઇનિંગ ડિકલેર કરી ત્યારે જાડેજાની સાથે મોહમ્મદ. શમી (20 અણનમ, 34 બોલ, ત્રણ ચોગ્ગા) ક્રિઝ પર હતો અને બંનેએ માત્ર 92 બોલમાં 101 રનની ભાગીદારી નોંધાવી હતી. જાડેજાની આ ત્રીજી સદીની ભાગીદારી હતી. અગાઉ, તેણે પ્રથમ દિવસે રિષભ પંત (96) સાથે છઠ્ઠી વિકેટ માટે 104 અને આજે રવિચંદ્રન અશ્વિન (61 રન, 82 બોલ, આઠ ચોગ્ગા) સાથે સાતમી વિકેટ માટે 130 રનની ભાગીદારી કરી હતી.
ભારતે શનિવારે બિન્દ્રા સ્ટેડિયમ ખાતે શરૂઆતના દિવસે 6-357 (85 ઓવર)ના સ્કોર સાથે તેમનો દાવ લંબાવ્યો હતો. પરંતુ જાડેજા, જેણે ઋષભ પંત સાથે 104 રન ઉમેર્યા, તેણે અશ્વિન સાથે સાતમી વિકેટ માટે 130 રનની મહત્વની ભાગીદારી કરી હતી.
તેની ટેસ્ટ કારકિર્દીની 58મી મેચની 85મી ઇનિંગ્સમાં, 33 વર્ષીય જાડેજાએ આ સદીની ભાગીદારી દરમિયાન તેનો અગાઉનો સર્વોચ્ચ સ્કોર (અણનમ 100) પાર કર્યો અને લંચ પહેલાં તેની બીજી સદી ફટકારી. જો કે, તેની ટેસ્ટ કારકિર્દીની 12મી અડધી સદી ફટકારનાર અશ્વિન લંચ (7-462) પહેલા સુરંગા લકમલનો બીજો શિકાર બન્યો હતો.