નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ 2023માં ધૂમ મચાવી રહી છે. ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીની પોતાની તમામ મેચો જ જીતી નથી પરંતુ વિરોધી ટીમોને પણ એકતરફી રીતે હરાવી છે. ટીમ ઈન્ડિયાના બેટ્સમેનની સાથે બોલરો પણ વિરોધી ટીમ ઉપર કહેર વરસાવી રહ્યાં છે. આ અંગે પાકિસ્તાની મીડિયામાં ટીમ ઈન્ડિયા પર ચીટીંગના આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે. પાકિસ્તાની મીડિયામાં એવી ચર્ચા ચાલી રહી છે કે, વર્લ્ડ કપ 2023માં દરેક ટીમના બોલરોને હરીફ ટીમના બેસ્ટમેનો હંફાવી રહ્યાં છે પરંતુ ભારતીય ફાસ્ટ બોલરો તબાહી મચાવી રહ્યા છે કારણ કે ભારતીય ટીમની બોલિંગ વખતે બોલ બદલાઈ જાય છે. જો કે, પાકિસ્તાનના આ વાહિયાત આક્ષેપોનો ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ તેમની ભાષામાં જ જવાબ આપ્યો છે.
પાકિસ્તાનના આરોપોને વાહિયાત ગણાવતા મોહમ્મદ શમીએ સોશિયલ મીડિયા ઉપર લખ્યું છે કે, ‘શરમ આવે છે દોસ્ત, રમત પર ધ્યાન આપો, બકવાસ પર નહીં. ક્યારેક અન્યની સફળતાનો આનંદ માણો. શીટ મેન, આ આઈસીસી વર્લ્ડ કપ છે, તમારી સ્થાનિક ટુર્નામેન્ટ નથી અને છેવટે તમે એક ખેલાડી છો. શમીએ આગળ લખ્યું કે, ‘વસીમ ભાઈએ બોલીંગ વખતના નિયમો સમજાવ્યાં છે, તમને તમારા ખેલાડી વસીમ અકરમ પર વિશ્વાસ નથી. સાહેબ, તમે પોતાના વખાણ કરવામાં વ્યસ્ત છે.
પાકિસ્તાની ન્યૂઝ ચેનલો પર BCCI પર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે…ભારતીય પીચો પર સર્વશ્રેષ્ઠ વિદેશી બોલરોને રન પડી રહ્યાં છે. પરંતુ ભારતીય બોલરો કેવી સારું પ્રદર્શન કરી રહ્યા છે? ભારતીય મેચોમાં જ્યારે ભારતીય બોલરોનો વારો આવે છે ત્યારે બોલ બદલવામાં આવે છે. જેથી વધારે સ્વિંગ અને સીમ ઉપલબ્ધ થાય છે. કદાચ વિવિધ પ્રકારના બોલ ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ જ કારણ છે કે દુનિયાના સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલરો જ્યાં નિષ્ફળ જઈ રહ્યા છે પરંતુ ભારતના દરેક ફાસ્ટ બોલર ઘણી વિકેટો લઈ રહ્યા છે.