Site icon Revoi.in

એશિયા કપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર મોહમ્મદ સિરાજ ICC ODI બોલર્સ રેન્કિંગમાં પ્રથમ નંબરે પહોંચ્યો

Social Share

નવી દિલ્હીઃ એશિયા કપ 2023ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ICC ODI બોલર્સ રેન્કિંગમાં 8 સ્થાનની છલાંગ લગાવીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.  શ્રીલંકા સામેની ફાઈનલ મેચમાં સિરાજની બોલિંગના કારણે ભારતીય ટીમને માત્ર 51 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ મેચમાં સિરાજે પોતાની 7 ઓવરમાં માત્ર 21 રન આપીને 6 વિકેટ ઝડપી હતી.

એશિયા કપની શરૂઆત પહેલા મોહમ્મદ સિરાજ 643 રેટિંગ પોઈન્ટ સાથે ODI રેન્કિંગમાં 9માં નંબર પર હતો. હવે તેણે 8 સ્થાનની છલાંગ લગાવીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે જેમાં તેના હવે 694 રેટિંગ પોઈન્ટ છે. સિરાજે એશિયા કપમાં 12.2ની એવરેજથી 10 વિકેટ લીધી હતી. આ પહેલા મોહમ્મદ સિરાજ માર્ચ 2023માં નંબર-1 પોઝિશન પર પહોંચી ગયો હતો, ત્યારબાદ જોશ હેઝલવુડ દ્વારા તેને તે પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. એશિયા કપમાં બુમરાહ અને સિરાજની જોડીનો સામનો કરવો કોઈ પણ ટીમ માટે આસાન ન હતો. સિરાજે એશિયા કપની અંતિમ મેચમાં પોતાની ODI કારકિર્દીની 50 વિકેટ પણ પૂરી કરી હતી.

પાકિસ્તાનના સુકાની બાબર આઝમ તાજેતરની ICC ODI બેટિંગ રેન્કિંગમાં પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે, પરંતુ ભારતીય ઓપનિંગ બેટ્સમેન શુભમન ગીલે રેટિંગ પોઈન્ટ્સમાં ચોક્કસપણે અંતર ઓછુ કર્યું છે. બાબરના હાલમાં 857 રેટિંગ પોઈન્ટ છે. જ્યારે ગિલને 814 રેટિંગ પોઈન્ટ્સ મળ્યા છે. હવે બંને વચ્ચે માત્ર 43 રેટિંગ પોઈન્ટ્સનું અંતર છે. વિરાટ કોહલી પણ એક સ્થાનની છલાંગ લગાવીને 8મા સ્થાને પહોંચી ગયો છે.