ઈઝરાયલ ઉપર હુમલા પાછળ હમાસના કુખ્યાત મોહમ્મદ દૈફનો દોરીસંચાર, કોણ છે દૈફ અને કેવો છે તેનો ગુનાહિત ઈતિહાસ જાણો
તેલ અવીવઃ ઈઝરાયેલ પર હમાસના અણધાર્યા લોહિયાળ હુમલામાં 900 થી વધુ ઈઝરાયેલ અને વિદેશી નાગરિકો માર્યા ગયા છે. જ્યારે હમાસે 100 થી 150 લોકોને બંધક બનાવ્યા છે. આમાં ઈઝરાયેલની સેનાના અધિકારીઓ પણ સમાવેશ થાય છે. ઇઝરાયેલના વળતા હુમલાને કારણે ગાઝામાં 900 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. જેમાં હમાસ સાથે સંકળાયેલા આતંકવાદીઓ મોટી સંખ્યામાં સામેલ છે. ઇઝરાયેલ પર આ હુમલો લગભગ 1500 આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો અને તેઓએ જમીનથી હવામાં હુમલો કર્યો હતો. ઇઝરાયેલનું માનવું છે કે, હમાસના આ સૌથી મોટા હુમલા પાછળ મોહમ્મદ દૈફનું મગજ છે. ઈઝરાયેલે મોહમ્મદ દૈફને નવો ઓસામા બિન લાદેન ગણાવ્યો છે. મોસાદ સહિત દુનિયાની મોટાભાગની ગુપ્તચર એજન્સીઓ પાસે એક જ ફોટો છે. એટલું જ નહીં પોતાના દુશ્મોનોનો ખાતમો બોલાવવામાં દુનિયાભારમાં જાણીતી ઈથરાયલની એજન્સી મોસાદથી બચવા માટે એક જગ્યા ઉપર લાંબો સમય રહેતો નથી. એક હાથ-પગ અને આંખ નહીં ધરાવતો આ આતંકવાદી ગણતરીના કલાકોમાં જ પોતાની છુપાવવાની જગ્યા બદલી નાખે છે.
ઈઝરાયેલનું માનવું છે કે, હમાસનો હુમલો મોહમ્મદ દૈફના ઈશારે કરવામાં આવ્યો હતો. તેણે જ ઈઝરાયેલ પર હુમલાની યોજના ઘડી હતી. કહેવાય છે કે, ઈઝરાયલની ગુપ્તચર સંસ્થા મોસાદે 58 વર્ષીય મોહમ્મદ દૈફને મારવાનો સાત વખત પ્રયાસ કર્યો હતો, પરંતુ દરેક વખતે નિષ્ફળ રહ્યો હતો. મોસાદ ઘણા દાયકાઓથી મોહમ્મદ દૈફને શોધી રહ્યું છે પરંતુ દરેક વખતે તે ભાગી જાય છે. તે પણ જ્યારે એવો દાવો કરવામાં આવે છે કે નવા ઓસામા બિન લાદેન પાસે એક હાથ અને પગ નથી. તેની પાસે એક જ આંખ છે. આ રીતે મોહમ્મદ દૈફ હંમેશા વ્હીલ ચેર પર જ રહે છે.
એક અહેવાલ મુજબ, મોહમ્મદ દૈફ હંમેશા ગાઝામાં બનેલી અંડરગ્રાઉન્ડ ટનલના નેટવર્કમાં રહે છે. આ સુરંગોના કારણે દરેક વખતે મોહમ્મદ દૈફ મોસાદના હાથમાંથી છટકી જાય છે. આ ટનલ બનાવવામાં મોહમ્મદ દૈફની પણ મોટી ભૂમિકા રહી છે. ઇઝરાયેલનો આ બિન લાદેન દરરોજ રાત્રે પોતાનું સ્થાન બદલતો રહે છે અને ક્યારેય એક જગ્યાએ રહેતો નથી. ઈઝરાયેલ પાસે તેનો માત્ર એક જ ફોટો છે. મોહમ્મદ દૈફનો જન્મ શરણાર્થી શિબિરમાં થયો હતો. તેણે પોતાનું નામ પણ બદલીને ‘દૈફ’ કર્યું જેનો અર્થ અરબીમાં ‘ગેસ્ટ’ થાય છે.
દૈફ નામ રાખવાથી ખબર પડે છે કે તે એક ઘરથી બીજા ઘરમાં રહેઠાણ બદલતો રહ્યો. મોહમ્મદ દૈફનો જન્મ ગાઝામાં 1965માં થયો હતો. તેમના પિતાનું નામ મોહમ્મદ દીઆબ ઈબ્રાહિમ અલ મસરી હતું. મોહમ્મદ દૈફ હમાસની લશ્કરી પાંખ અલ કાસમ બ્રિગેડનો કમાન્ડર છે. તે અવારનવાર તેના રેકોર્ડ કરેલા સંદેશાઓ હમાસના લડવૈયાઓને મોકલે છે. મોહમ્મદ દૈફ વારંવાર તેના હમાસ લડવૈયાઓને કબજો કરનારાઓને બહાર કાઢવા અને દિવાલને તોડી પાડવા માટે સંદેશા આપે છે. તેણે વિશ્વના અન્ય દેશોમાં રહેતા પોતાના પ્રશંસકોને હમાસ સાથે જોડાવા માટે અપીલ કરી છે. જેના કારણે ઘણા દેશોના નાગરિકો હિંસામાં સામેલ થવાનો ખતરો છે. ગાઝાની અલ અઝહર યુનિવર્સિટીમાં રાજનીતિના પ્રોફેસર મખામર અબુસદા કહે છે કે, આ હુમલા બાદ મોહમ્મદ દૈફ હવે યુવાનો માટે ખુદા સમાન બની જશે. તેણે કહ્યું કે, મોહમ્મદ દૈફ અલ કાયદાના કુખ્યાત આતંકવાદી ઓસામા બિન લાદેન જેવો જ હત્યારો છે.