1. Home
  2. ગુજરાતી
  3. મોહનદાન ગાંધી: પત્રકારત્વના પણ મહાત્મા
મોહનદાન ગાંધી: પત્રકારત્વના પણ મહાત્મા

મોહનદાન ગાંધી: પત્રકારત્વના પણ મહાત્મા

0
Social Share

પત્રકાર તરીકે મોહનદાસ ગાંધીની સફળતા – સિદ્ધિઓ પર ખૂબ જ ઓછુ લખાયું – ચર્ચાયું છે!

– ભવ્ય રાવલ (લેખક–પત્રકાર)        

 ભારતની આઝાદીનો ઈતિહાસ હોય કે ગુજરાતી પત્રકારત્વનો ઈતિહાસ હોય, મહાત્મા ગાંધીજીના ઉલ્લેખ વિના આ બંને વાત રજૂ કરવી અશક્ય છે. જેમ ભારતની આઝાદીની વાત મહાત્મા ગાંધીજીના ઉલ્લેખ વિના ન થઈ શકે તેમ ગુજરાતી પત્રકારત્વની વાત પણ મહાત્મા ગાંધીજીના ઉલ્લેખ વિના ન થઈ શકે. મહાત્મા ગાંધી ન માત્ર ગુજરાતી પરંતુ ભારતીય પત્રકારત્વનું ગૌરવ છે, પત્રકારત્વના પણ મહાત્મા છે. ભારતને આઝાદી અપાવવામાં જેટલું જ યોગદાન મહાત્મા ગાંધીજીનું છે તેટલું જ યોગદાન રાષ્ટ્રીય પત્રકારત્વના વિકાસમાં મહાત્મા ગાંધીજીનું છે. આમ છતાં એક પત્રકારત્વ તરીકે મહાત્મા ગાંધીજીની નોંધ જોઈએ તેટલી લેવાઈ નથી. મહાત્મા ગાંધીજીએ આત્મકથા લેખન, નિબંધ લેખન, અનુવાદન, તત્વચિંતન, પત્રલેખનની સાથે વિવિધ વિષયો પરના લેખો લખીને તેમજ સંપાદક-તંત્રી તરીકે પત્રકારત્વના ક્ષેત્રમાં પણ નોંધનીય અને સવિશેષ ફાળો આપ્યો હતો. એક સફળ રાજનેતા, ધારાશાત્રી ઉપરાંત તેઓ એક સફળ પત્રકાર પણ હતા. સદાયને માટે આધ્યાત્મિક સંતપુરુષ કે રાષ્ટ્રપિતા તરીકે જ નહીં એક સફળ પત્રકાર તરીકે પણ મોહનદાસ ગાંધીનું સ્મરણ કરવું જ રહ્યું.

મોહનદાસ ગાંધીએ પ્રથમ વખત અખબાર જોયું ત્યારથી જ તેની શક્તિ-ક્ષમતા પારખી ચૂક્યા હતા. લેખનની તાકાતથી તેઓ ઝડપથી અવગત થઈ ગયા હતા. જે કાર્ય વકીલાતથી ન થઈ શકે એ કાર્ય પત્રકારત્વથી થઈ શકે. પ્રારંભિક તબક્કામાં એક ફ્રીલાન્સર જર્નાલીસ્ટ તરીકે ઈંગ્લેન્ડ હોય, દક્ષિણઆફ્રિકા હોય કે ઈંડિયા.. દેશ-વિદેશનાં પત્રોમાં મોહનદાસ ગાંધીએ લખવાનું શરૂ કરી દીધું હતું. શરૂઆતમાં શાકાહાર, ખાવાની ટેવો, તહેવારો, જીવનચરિત્રો, નારી કલ્યાણ, સાક્ષરતા, નિસર્ગોપચાર, કોમીએકતા, બાળવિવાહ, અસ્પૃશ્યતા, કાંતણ, સ્વદેશી, દારૂબંધી, સત્યાગ્રહ, અહિંસા, સત્ય, રાષ્ટ્રીય ખામીઓ વગેરે વિષય પર મોહનદાસ ગાંધી લેખો લખતા. ભારતમાં આવ્યા બાદ આ વિષયો સાથેસાથે વિવિધ આંદોલનો, ચળવળો ઉપર તેમણે લખવાનું શરૂ કર્યું. અગ્રેજો અને તેમની નીતિઓ વિરુદ્ધ લખ્યું, દેશની સ્વતંત્રતા સાથે પ્રેસની સ્વતંત્રતા વિશે પણ લખ્યું. રાષ્ટ્રીય ચેતનાને જાગ્રત કરવા અને બ્રિટીશ સામ્રાજ્ય વિરુદ્ધ જનમત નિર્માણ કરવા પત્રકારત્વને મુખ્ય માધ્યમ બનાવ્યું. જોતજોતામાં મોહનદાસ ગાંધીના પત્રકારત્વે એક ક્રાંતિ જગાવી દીધી. એવી ક્રાંતિ કે, આજે પણ ગુજરાતી પત્રકારત્વમાં ગાંધીયુગનું પત્રકારત્વ અભ્યાસ અને સંશોધનનો એક વિષય છે. કેટલીક શૈક્ષણિક અને સાહિત્યિક સંસ્થાઓએ આ વિષય પર ખૂબ જ સારું કાર્ય કર્યું છે તેમ છતાં પત્રકાર તરીકે મોહનદાસ ગાંધીની સફળતા – સિદ્ધિઓ પર ખૂબ જ ઓછુ લખાયું – ચર્ચાયું છે!

રાષ્ટ્રપિતા તરીકે વિશ્વવિખ્યાત મોહનદાસ ગાંધી સૌ પ્રથમ એક કુશળ પત્રકાર હતા. એક એવા કુશળ પત્રકાર જેમણે ગુજરાતી, હિન્દી અને અગ્રેજી ભાષામાં પણ પત્રકારત્વ કર્યું. એક પત્રકારત્વ તરીકેના તમામ ગુણો મોહનદાસ ગાંધીમાં હતા. મોહનદાસ ગાંધી માસ કોમ્યુનિકેશનના માસ્ટર હતા, ન્યૂઝ પેપર્સ માસ કોમ્યુનિકેશનનો જ એક પાર્ટ હતો. એટલે તેમણે સત્ય અને અહિંસા બાદ ત્રીજું હથિયાર અખબારને બનાવ્યું હતું. મોહનદાસ ગાંધીએ પોતાની જીવનમૂડી ખર્ચી અખબારો સંભાળેલા હતા. ખોટમાં ચાલતા અખબારોનું સંચાલન કરીને નકલો વધારી હતી. તંત્રી, સંપાદક અને પત્રકાર તરીકે તેમની ધરપકડ પણ થયેલી, જેલવાસ પણ ભોગવેલો. પ્રેસ સીલ મારવામાં આવેલું. આમ છતાં તેઓ ક્યારેય નાસીપાસ થયા ન હતા. ક્યારેય કોઈ ડર કે દબાવમાં આવ્યા વિના મોહનદાસ ગાંધી લખતા જ રહ્યા હતા. ગાડામાં બેઠાબેઠા, દોડતી ટ્રેન કે હાલકડોલક થતા વહાણમાં મુસાફરી કરતા સમયે પણ તેમણે લખ્યું. જમણો હાથ થકી જતો ત્યારે ડાબા હાથથી લખ્યું. પુષ્કળ લખ્યું અને એક સાચા પત્રકાર જેમ સત્યને ઉજાગર કરતું તેમજ સમાજનો આયનો રજૂ કરતું લખાણ લખ્યું. પત્રકારત્વ મોહનદાસ ગાંધી માટે વ્યવસાય ન હતો, પત્રકારત્વ મોહનદાસ ગાંધી માટે આમઆદમીના અંતરઆત્માનો પ્રગટ કરવાનું માધ્યમ હતું. તેઓ મિશનરી પત્રકાર હતા. આવી જ કેટલીક વિશિષ્ટ બાબતોને કારણે જ 20મી સદીનાં આરંભનાં દસક બાદથી લઈ આઝાદી સુધીનો સમયગાળો ગાંધીયુગ પત્રકારત્વનો સુવર્ણકાળ ગણાય છે. આ યુગનાં પત્રકારત્વ પર મોહનદાસ ગાંધીની વિશેષ અસર રહી તેમજ મોહનદાસ ગાંધીના પત્રકારત્વમાંથી પ્રેરણા લઈ આજ, સૌરાષ્ટ્ર ભારતીય ખાદી સમાચાર, ખાદી જગત, ખાદી પત્રકારત, નયી તાલીમ, સબકી બોલી, રાષ્ટ્રભાષા, હિન્દી પ્રચારક, નયા-હિંદ, નશાબંધી સંદેશ, જીવન સાહિત્ય, ગાંધીમાર્ગ જેવા અનેકો પત્રો શરૂ થયા.

એક સારા પત્રકાર બનવા માટે અને અખબારમાં લખવા માટે પહેલો નિયમ એ છે કે, સૌ પ્રથમ અખબાર વાંચો, ખૂબ વાંચો. સારા વાંચક બનો. મોહનદાસ ગાંધી દક્ષિણઆફ્રિકામાં હતા ત્યારે આશરે 200 જેટલા સામયિકો વાંચતા! આ સિવાય પણ મોહનદાસ ગાંધીનું વાંચન વિશાળ રહ્યું છે જેની પ્રતીતિ તેમના લેખનમાં પણ જોવા મળે છે. પોતે જે અખબારનું સંચાલન હાથમાં લેતા તેમાં તેઓ ક્યારેય જાહેરાત પ્રસિદ્ધ કરવાના હિતમાં ન હતા, તે તેમના પત્રકારત્વનું સૌથી વિશિષ્ટ પાસું હતું. મોહનદાસ ગાંધીનું કહેવું હતું કે, પત્રને લોકપ્રિય બનાવવા કે તેનું સ્તર ઊંચું લઈ જવા જાહેરખબર છાપવાની જરૂરિયાત નથી, અખબારો માત્ર લવાજમની આવક ઉપર જ નભવા જોઈએ. આ માટે તેઓ છેલ્લાં પાનાં પર હંમેશા સૂચના લખતા કે, લવાજમ અગાઉથી ભરવું અનિવાર્ય છે.

મોહનદાસ ગાંધીનાં પત્રકારત્વનું અન્ય એક મહત્વપૂર્ણ પાસું એ હતું કે, તેમના પત્રકારત્વમાં ક્યાંય સનસનાટીવાળા વિષયો સ્થાન ન હતું. લેખક-પત્રકાર તરીકે મોહનદાસ ગાંધીની લેખનશૈલી સ્પષ્ટ, સરળ અને સુપાચ્ય હતી. તેમનું લખાણ વાંચકોને સ્પર્શતું પણ અને ગમતું પણ. પત્રકારત્વનું વધુ એક મહત્વનું પાસું સિટીઝન જર્નાલીઝમ છે. મોહનદાસ ગાંધી લોકોને પણ કહેતા કે, કોઈપણ જાતનું દુઃખ આવે તો તેનું વર્ણન તમારી ભાષામાં અતિશયોક્તિ વગર નામ-સરનામાં સાથે લખી મોકલવું. જેથી તેઓ વર્તમાનપત્ર દ્વારા તેને વાચા આપી શકે. લોકપ્રશ્નો અને રાષ્ટ્રની સમસ્યાને ઉજાગર કરતા મોહનદાસ ગાંધીના ઈંડિયન ઓપિનિયન, નવજીવન અને યંગ ઈંડિયા પત્રોએ સ્વાતંત્રતા ચળવળની પ્રેરણા આપી. જેનું પરિણામ એ આવ્યું કે, વિભિન્ન ભાષાઓમાં સ્વતંત્રતાને કેન્દ્રમાં રાખીને સમાચાર-વિચાર પ્રસ્તુત-પ્રગટ કરનારાં અખબારોની સંખ્યા વધતી ગઈ. આમ, અખબારોના માધ્યમથી તેમણે પોતાના વિચારો અને લોકોની વાચાને જનજન સુધી પહોચાડી. તેઓએ સામાન્ય જનજીવનને સ્પર્શતા પ્રત્યેક વિષયો પર પોતાની કલમ ચલાવી પત્રકારીતાના દર્શન કરાવ્યા હતા તેમજ પત્રકારત્વને પણ એક નવી રાહ ચીંધી હતી. મોહનદાસ ગાંધીની પ્રેરણાથી ઘણા સમાચાર પત્રો શરૂ થયેલા.

ભારતમાં 18 વર્ષની વય સુધી એકપણ અખબાર ન વાંચનાર મોહનદાસ ગાંધીએ છ જેટલાં સામયિકોનું તંત્રીપદ સાંભળ્યું છે જેમાં ઈંડિયન ઓપિનિયન, યંગ ઈંડિયા, નવજીવન, હરિજન સેવક અને હરિજન બંધુનો સમાવેશ થાય છે. મોહનદાસ ગાંધીએ ઈંડિયન ઓપિનિયન આશરે 11 વર્ષ, યંગ ઈંડિયા ને નવજીવન આશરે 13 વર્ષ અને હરિજન પત્રો આશરે 15 વર્ષ ચલાવ્યા. તેઓએ હરિજન, હરિજનસેવક અને હરિજનબંધુ વૃત્તપત્રોનું સંપાદન પણ કર્યું હતું. મોહનદાસ ગાંધીએ 1919માં સત્યાગ્રહ નામનું સરકારી નોધણી કરાવ્યા વગર પણ એક સાપ્તાહિક બહાર પડ્યું હતું. આ ઉપરાંત ફ્રીલાન્સ જર્નાલીસ્ટ તરીકે તેમણે વેજીટેરીયન, ઈંડિયા, ટેલીગ્રાફ, ડેલીન્યૂઝ વગેરે જેવા પત્રોમાં પણ લખેલું છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષામાં તેમના લેખો આજે પણ એટલા જ સાંપ્રત છે. તેમણે 40 વર્ષ સુધી લેખનકાર્યું કર્યું. 79 વર્ષ જીવન જીવનાર મોહનદાસ ગાંધીએ લેખક-પત્રકાર તરીકે અંદાજીત પાંત્રીસ હજાર પાનાં એટલે કે બે કરોડ જેટલા શબ્દો લખેલા છે!

વધારો : છાપાવાળાઓ હાલતા ચાલતા રોગચાળા જેવા બની ગયા છે. લોકો માટે છાપા બાઈબલ, કુરાન, અને ગીતાનું સ્થાન લેવા લાગ્યા છે. એક છાપું એવી આગાહી કરે કે હુલ્લડો થવાની તૈયારીમાં છે અને દિલ્હીમાં દુકાનોમાંથી બધી લાઠીઓ અને છરીઓ ઉપડી ગઈ છે. છાપાવાળાનું કામ તો લોકોને બહાદુર બનતા શીખવવાનું છે તેમનામાં ગભરાટ ફેલાવાવનું નથી. – મોહનદાસ ગાંધી (લેખક-પત્રકાર)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code