અમદાવાદઃ ગુજરાતમાં કાળઝાળ ગરમી બાદ આજે સોમવારથી ગરમીમાં આંશિક રાહત મળી છે. પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે રેમલ વાવાઝોડું ત્રાટક્યુ છે તેના લીધે ગુજરાતના વાતાવરણમાં આંશિક ફેરફાર થયો છે. આજે સોમવારે અમદાવાદ સહિતના શહેરોના તાપમાનમાં સરેરાશ એકાદ ડિગ્રીનો ઘટાડો નોંધાય. હતો. અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું પણ પવનને લીધે લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી.
ગુજરાતમાં આ વખતે રેકર્ડબ્રેક ગરમીને લીધે લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. રવિવારે હિટવેવને પગલે વડોદરામાં એક અને બનાસકાંઠામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. તો અમદાવાદમાં છેલ્લાં એક અઠવાડિયામાં 108 એમ્બ્યુલન્સને 1202 કોલ્સ મળ્યા હતા.જ્યારે ગરમીના કારણે ગુજરાતમાં એક સપ્તાહમાં બીમારીના 1202 ઇમર્જન્સી કોલ્સ 108 એમ્બ્યુલન્સને મળ્યા હતા, જેમાં સૌથી વધુ 933 કેસ ભારે તાવના હતા. આ ઉપરાંત હિટ સ્ટ્રોકના 104 કેસ નોંધાયા હતા, હવે સોમવારથી ગરમીમાં આંશિક રાહત મળી છે. દરમિયાન આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે. કે, ‘પશ્ચિમ બંગાળ, બિહાર અને પૂર્વ ઉત્તર ભારતના ભાગમાં રેમલ વાવાઝોડાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે. અને તારીખ 27 મેથી 30 મે સુધી દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, સુરત, ભરૂચ અને સાપુતારાના વિસ્તારમાં માવઠું પડી શકે છે. તેમજ સૌરાષ્ટ્રના અનેક ભાગમાં માવઠું થવાની શક્યતા છે. આગામી બે દિવસ એટલે કે તારીખ 27 અને 28 દરમિયાન જોરદાર પવન ફૂંકાશે. જેના કારણે ગરમીમાં ઘટાડો થશે. 8મી જૂને અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં ડિપ ડિપ્રેશન થશે. તારીખ 8 જૂનથી 14 દરમિયાન અરબ સાગરમાં વાવાઝોડું થવાની શક્યતા છે. આગામી 28મે થી 1 જૂન દરમિયાન ચોમાસું કેરળ પહોંચે તેવી શક્યતા છે.