નવી દિલ્હીઃ તુણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના નેતા મહુઆ મોઈત્રાએ લોકસભાનું સભ્ય પદ રદ કરવાના નિર્ણયની સામે સર્વોચ્ચ અદાલતના દરવાજા ખટખટાવ્યા હતા. નાણાની બદલે સવાલ મામલે આચાર સમિતિની તરફથી લોકસભાના રિપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો. લોકસભાના અધ્યક્ષે આચાર સમિતિના રિપોર્ટને સ્વિકારીને મહુઆ મોઈત્રાનું સભ્ય પદ રદ કરવામાં આવ્યું હતું. આ નિર્ણયની સામે મોઈત્રાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
લોકસભાના નેતા મોઈત્રા સામે પૈસા લઈને સવાલ પુછવાનો આરોપ લાગ્યો હતો. જેની તપાસ ગૃહની આચાર સમિતિને સોંપવામાં આવી હતી. સમિતિએ પોતાના રિપોર્ટમાં મોઈત્રાનું સભ્ય પદ રક કરવાની ભલામણ કરી હતી. આ રિપોર્ટ લોકસભામાં રજુ કરવામાં આવ્યો હતો.
ટીએમસીના નેતા મોઈત્રાએ ઉદ્યોગપતિ દર્શન હીરાનંદાનીના કહ્યા પર સંસદમાં સવાલ પૂછ્યાનો આરોપ લાગ્યો હતો. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ તેમની સામે ફરિયાદ કરી હતી. તેમજ લોકસભાના સ્પીકર સમક્ષ ફરિયાદની તપાસની માંગણી કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે, આ અંગેનો પુરાવો વકીલ જય અનંત દેહાદરાઈ દ્વારા પુરા પાડવામાં આવ્યાં છે.
લોકસભાના અધ્યક્ષને લખેલા પત્રમાં દુબેએ કહ્યું હતું કે, મહુવાના પૂર્વ મિત્ર વકીલ જય અનંતનો એક પત્ર મળ્યો છે. જેમાં મોઈત્રા અને ઉદ્યોગપતિ દર્શન હીરાનંદાની વચ્ચે સવાલ પૂછવા મામલે પૈસાની આપ-લે થઈ હતી, તેના પુરાવા આપ્યાં છે. મોઈત્રાએ પૂછેલા 61 પશ્નો પૈકી 50 પશ્નો દર્શન હીરાનંદાણી અને તેમની કંપનીના વ્યાવસાયિક હિતોને બચાવવા માટે હતા. જો કે, મોઈત્રાએ જય અનંતના આરોપને ફગાવી દીધો હતો. ઉદ્યોગપતિ હીરાનંદાની અલગ-અલગ સ્થળો તથા મોટાભાગે દુબઈથી સવાલ પૂછવા માટે મોઈત્રાનો લોગઈન આઈડીનો ઉપયોગ કરતા હતા. આ આરોપોને પગલે સમગ્ર મામલાની તપાસ આચાર સમિતિને સોંપાઈ હતી.