- ટાઈટલ જીતનાર ટીમને ચાર મિલિયન ડોલરનું મળશે ઈનામ
- ફાઈનલમાં હારનારી ટીમને બે મિલિયન ડોલરનું ઈનામ મળશે
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ આગામી મહિનામાં શરૂ થઈ રહેલા વર્લ્ડકપ 2023ને લઈને ઈનામની રકમની જાહેરાત કરી છે. લીગ તબક્કામાં 45 મેચમાં જીતનારી ટીમોના ઈનામની વ્યવસ્થા કરાઈ છે. આઈસીસીએ આ ઇવેન્ટને લઈને દસ મિલિયન અમેરિકી ડોલરની રકમ આપવાનો નિર્ણય લેવાયો છે. જે ટીમ વિશ્વ કપનું ટાઈટલ જીતનાર ઉપર પૈસાનો વરસાદ થશે. 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ઈવેન્ટની ફાઇનલ 19મી નવેમ્બરના રોજ રમાશે. ટૂર્નામેન્ટમાં કુલ 48 જેટલી મેચ રમાશે.
વર્લ્ડકપની ફાઈનલ જીતનાર ટીમને ટ્રીફીની સાથે ચાર મિલિયન ડોલરનું ઈનામ આપવામાં આવશે. વર્લ્ડકપની ઉપવિજેતા ટીમને બે મિલિયન ડોલરનું ઈનામ આપવામાં આવશે. આ ઉપરાંત સેમીફાઈનલમાં હારનારી ટીમોને આઠ લાખ ડોલરનું ઈનામ આપવામાં આવશે. વર્લ્ડકપમાં ભાગ લેનારી તમામ ટીમો રાઉન્ડ રોબિન લીગમાં એક-બીજા સાથે ટકરાશે. ટોપ ચાર ટીમ સેમિફાઈનલમાં પ્રવેશ કરશે. ગ્રુપ સ્ટેજમાં જીતનારી તમામ ટીમોને 40 હજાર ડોલરનું ઈનામ આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં યોજાનારા વર્લ્ડકપની ભારતીય સહિતની ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે આઈસીસીનો વર્લ્ડકપ ભારતમાં રમાશે. વર્લ્ડકપ પહેલા તમામ ટીમો પ્રેકટીસ મેચ રમશે. આઈસીસી વર્લ્ડકપની તૈયારીઓને લઈને બીસીસીઆઈ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. આ મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.