અમદાવાદમાં કચરાનું વહન કરતાં 1091 વાહનોનું GPSથી મોનિટરિંગ, એજન્સી પાસે પેનલ્ટી વસુલાશે
અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ પુરૂ પાડવામાં આવે છે. જેમાં ઘેર-ઘેરથી કચરો એકઠો કરીને તેના નિકાલ કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેમાં ડોર ટુ ડોર કચરાનું કલેક્શન ન કરીને એજન્સીઓ દ્વારા લાપરવાહી દાખવવામાં આવતી હોવાની ફરિયાદો ઊઠી હતી. આ ફરિયાદોના નિરાકરણ માટે મ્યુનિ.ના સત્તાધિશોએ મોનિટરિંગ સિસ્ટમ ઊબી કરી છે. જેમાં શહેરમાં કચરો એકઠો કરવા માટે ઘેર-ઘેર ફરતા 1091 વાહનો પર GPS સિસ્ટમ લગાવવામાં આવી છે. આથી ડોર ટુ ડોર કચરો એકઠો કરતા વાહનો દ્વારા પોઇન્ટ ઉપરથી કચરો લેવામાં નહીં આવે તો હવે ઘર દીઠ રૂ. 2 અને પોઇન્ટ દીઠ રૂ. 5 પેનલ્ટી એજન્સી પાસેથી વસુલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં ઘરો અને કોમર્શિયલ જગ્યાઓ પરથી ડોર ટુ ડોર કચરો ભેગો કરવામાં આવે છે. મ્યુનિ.દ્વારા કચરો એકઠો કરતાં કુલ 1091 જેટલા વાહનો પર GPS સિસ્ટમ લગાવવામાં આવી છે. દરેક ઘર અને કોમર્શિયલ એકમોમાંથી કચરો લેવામાં આવે છે કે કેમ? તેના ઉપર નજર રાખી શકાય તેના માટે GPS મોનિટરિંગ કંટ્રોલરૂમ મ્યુનિ.ના દાણાપીઠ ખાતે આવેલા ભારત મિશનની ઓફિસમાં શરૂ કરાયો છે. તમામ ડોર ટુ ડોર વાહનોનું મોનિટરિંગ કંટ્રોલરૂમમાંથી કરવામાં આવે છે. કોઈ ડોર ટુ ડોરની ગાડી દ્વારા પોઇન્ટ ઉપરથી કચરો લેવામાં નથી આવતો તો ઘર દીઠ રૂ. 2 અને પોઇન્ટ દીઠ રૂ. 5 પેનલ્ટી એજન્સી પાસેથી લેવામાં આવશે.
આ અંગે સોલિડ વેસ્ટ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરનાં 17 લાખથી વધારે રેસિડેન્ટ અને 6 લાખ જેટલાં કોમર્શિયલ એકમોમાંથી રોજેરોજ કચરાના કલેક્શન માટે ડોર ટુ ડોર, ડમ્પ વેસ્ટ કલેક્શન સિસ્ટમ કાર્યરત છે. જેમાં અગાઉનાં 766 અને તાજેતરમાં વધારેલા બીજા 325 એમ કુલ 1091 જેટલા તમામ વાહનોમાં લેટેસ્ટ ટેકનોલોજી સાથેની GPS સિસ્ટમ ઇન્સ્ટોલ કરી મોનિટરિંગ માટેનો અદ્યતન કન્ટ્રોલરૂમ બનાવવામાં આવ્યો છે. અને તેના દ્વારા GPS મોનીટરીંગ કરવામાં આવે છે. કેટલાંક વિસ્તારોમાંથી કચરો ન ઉપાડવાની ફરિયાદો મળતી હતી, જેના પગલાં કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. ડોર ટુ ડોર કલેક્શન માટેની એજન્સી, GPS સિસ્ટમ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના એક-એક કર્મચારીઓ આ કંટ્રોલરૂમમાં બેસીને કોઈપણ ફરિયાદ હશે તો તેનું તાત્કાલિક નિવારણ કરવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરમાંથી કચરો એકત્રિત કરવા માટે અગાઉનાં 21,000 જેટલા POIની જગ્યાએ બીજા 10,000 વધારી કુલ 31,000 POIનાં તમામ એકમોમાંથી કચરાનું રોજેરોજ 100 ટકા કલેક્શન કરવામાં આવે તે માટે તમામ એજન્સીના સુપરવાઇઝરો અને સ્ટાફ દ્વારા વહેલી સવારથી 2 શિફ્ટમાં મોનીટરીંગ કામગીરી કરવામાં આવા રહ્યુ છે. જો કોઈ ગાડી દ્વારા કચરો ન લેવામાં આવે તો તેના પાસેથી પેનલ્ટી વસૂલવા અંગેની કાર્યવાહી પણ કરવામાં આવશે. જીપીએસ સિસ્ટમ હાલમાં કાર્યરત કરી દેવામાં આવી છે.