અમદાવાદઃ શહેરના સરસપુર વિસ્તારમાં છેલ્લા 8 મહિનામાં વાંદરાએ 17 વ્યક્તિઓ પર હુમલો કરીને બચકાં ભરતા સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ અંગે સ્થાનિક રહિશોએ મ્યુનિ,કોર્પોરેશનના સત્તાધિશોને તેમજ વનવિભાગને અનેકવાર રજુઆત કરીને તોફાની વાનરને પકડવા માગ કરી હોવા છતાં કોઈ પગલાં ન લેવાતા આ સંદર્ભે ગુજરાત હાઈકોર્ટમાં રિટ કરવામાં આવી છે. જેમાં એવી રજૂઆત કરાઇ હતી કે, વાંદરો રોજે બેથી ત્રણ વ્યક્તિને કરડે છે. વૃદ્ધો અને બાળકો તો ઘરની બહાર પણ નીકળતા ડરે છે. આ અંગે પગલાં લેવા યોગ્ય ઓથોરિટીને આદેશ આપવાની માગ કરવામાં આવી છે. આ રિટની સુનાવણી આવતા સપ્તાહે હાથ ધરાશે.
અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારના રહીશોએ કરેલી જાહેરહિતની અરજીમાં એવી રજૂઆત કરાઇ છે કે, તેમના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વાંદરાનો આતંક વધી ગયો છે. અત્યાર સુધીમાં 16થી 17 વ્યક્તિઓને વાંદરોએ હુમલો કરીને બચકા ભર્યા છે. તેમાં 6થી 7 નાના બાળકો અને 10 વૃદ્ધનો સમાવેશ થાય છે. એકલા ફરતા વ્યકિત પર વાંદરો હુમલો કરીને બચકાં ભરે છે જેના લીધે એક વૃદ્ધને બે વખત વાંદરો કરડતા તેમને 10થી 12 ટાંકા લેવા પડયા હતા. આ વિસ્તારમાં એકલા જતા કોઇ પણ વ્યક્તિને ડર લાગી રહ્યો છે. ભોંયરાવાળા મહાદેવના ડહેલા નજીક રહેતા રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અનેક મહિલાઓ પર પણ હુમલો કરીને વાંદરો હુમલા કરી રહ્યા છે. સ્થાનિક લોકોએ મ્યુનિ. કોર્પોરેશન અને વન વિભાગને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઇ પગલા લેવાયા નથી. જો સત્તાધીશો દ્વારા વાંદરાને પકડવામાં નહી આવે તો અનેક લોકોને કરડી શકે છે.
હાઈકોર્ટમાં કરાયેલી રિટમાં એવી રજુઆત કરવામાં આવી છે. કે, વહેલી સવારે સ્કૂલે જતા બાળકો મોટાભાગે એકલા હોય છે. તે સમયે વાંદરો અચાનક આવીને બાળકો પર હુમલો કરે છે. અત્યાર સુધીમાં 6 બાળકોને બચકાં ભરી લીધા છે. આ વિસ્તારમાં વાંદરાનો આંતક ઝડપથી નિયત્રંણમાં લેવા દાદ માગવામાં આવી છે.