અમદાવાદઃ ગુજરાતમાં કોરોના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે બીજી તરફ દેશમાં મંકીપોક્સના કેસ પણ વધી રહ્યાં છે, દિલ્હીમાં પણ મંકીપોક્સના કેસ વધતા ખળભળાટ મચી ગયો છે. ગુજરાતમાં મંકીપોક્સ વાયરસને પગલે સાબદુ બન્યું છે. દરમિયાન અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મંકીપોક્સના કેસને ધ્યાનમાં રાખીને આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.
દેશમાં મંકીપોક્સના કેસમાં વધતા કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને એલર્ટ કર્યાં છે. દરમિયાન ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે અગમચેતીના ભાગરૂપે પહેલેથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આરોગ્ય વિભાગની સૂચનાને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડી-9 વોર્ડને મંકીપોક્સના દર્દીઓ માટે આઈસોલેશન વોર્ડ સજ્જ કરાયો છે. જેમાં 6 બેડ તૈયાર રાખાયા છે. જરૂર પડે તો 26 બેડ રાખી શકાય તેટલી વ્યવસ્થા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેરળ અને દિલ્હી સહિત દેશમાં મંકીપોક્સના અત્યાર સુધીમાં ચાર કેસ નોંધાયાં છે. જ્યારે દુનિયાના અનેક દેશોમાં અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં મંકીપોક્સના કેસ સામે આવ્યાં છે. જેથી વિશ્વ આરોગ્ય સંસ્થાએ વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે.