ઉત્તરવાહિની પરિક્રમા બાદ નર્મદા નદીમાં સ્નાન પર પ્રતિબંધ મુકાતા સાધુ-સંતો બન્યા નારાજ
રાજપીપળાઃ નર્મદા નદીમાં ડૂબી જવાના બનાવો વધી રહ્યા હોવાથી નર્મદા જિલ્લા મેજિસ્ટેટે પ્રવાસીઓને જળાશયોમાં ન્હાવા તથા અન્ય કારણોસર પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવતા સાધુ-સંતો નારાજ થયા છે. પહેલાં ઉત્તરવાહીની પરિક્રમા બંધ કરાવી હતી. હવે નર્મદા સ્નાન પર પ્રતિબંધ મુકાતા સાધુ-સંતોએ વિરોધ કર્યો છે.
નર્મદા નદીમાં ડુબી જવાના બનાવો વધી રહ્યા છે. મહિના પહેલા જ પોઇચા ખાતે 8 જણાં ડૂબી ગયાની ગોઝારી ઘટના બાદ નર્મદા જિલ્લા તંત્ર સફાળું જાગ્યું હતું અને નર્મદા નદીમાં સ્નાન અથવા કોઈપણ જાતની વિધિ કરવા માટે પ્રતિબંધ મુકવાના તંત્રના નિર્ણય સામે સાધુ-સંતો અને શ્રદ્ધાળુંઓમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. ચોમાસા પહેલા ફરીથી આ પ્રતિબંધ મૂકી દેતા સાધુ-સંતો રોષે ભરાયા છે.
સાધુ સંતોના કહેવા મુજબ નર્મદા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અગાઉ ઉત્તરવાહીની પરિક્રમા બંધ કરાવી હતી અને પોલીસનો બંદોબસ્ત મુકી દેવામાં આવ્યો હતો. હવે નર્મદા નદીમાં સ્નાન પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. છેલ્લા દસ દિવસથી પોલીસ ખડકી દેવામાં આવી છે. ગંગા દશેરાના દિવસે પણ હિન્દુઓની ધાર્મિક આસ્થાઓ પર અતિક્રમણ કરી ધાર્મિક લાગણીઓ ઉપર પ્રતિબંધ લગાવતા સાધુ-સંતો તથા શ્રદ્ધાળુંઓની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે. દરમિયાન નર્મદા સંત સમિતિએ આ નિર્ણયને સખત શબ્દોમાં વખોડી કાઢતા સદાનન્દ મહારાજે જણાવ્યું હતું કે, નર્મદા સ્નાન પરનો પ્રતિબંધ તત્કાળ હટાવી દેવામાં આવે. હિન્દૂ સમાજનું માન સન્માન જળવાય. આટલા વર્ષોમાં એક પણ સારા સુવિધા વાળા નર્મદા ઘાટનું નિર્માણ થયું નથી. જ્યાં ભક્તો નર્મદા સ્નાન કરી શકે. બીજીબાજુ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા એવો બચાવ કરવામાં આવી રહ્યો છે. કે, યાત્રિકોની સલામતી માટે નિર્ણય લેવામાં આવ્યો છે.