દિલ્હી : કેરળમાં દસ્તક આપ્યા બાદ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આવતા સપ્તાહ સુધીમાં ઉત્તર ભારતમાં પહોંચવાની ધારણા છે. ચોમાસું સામાન્ય રીતે કેરળમાં 1 જૂન સુધીમાં પહોંચે છે, પરંતુ આ વર્ષે તે કેરળના દરિયાકાંઠે એક સપ્તાહ મોડું પહોંચ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાકમાં ચોમાસું ઉત્તર-પૂર્વના રાજ્યોમાં આગળ વધે તેવી શક્યતા છે.
હવામાન વિભાગે કહ્યું કે મધ્યપ્રદેશમાં પાંચ દિવસના વિલંબથી આ વર્ષે 20 20 જૂન પછી ચોમાસું આવવાની સંભાવના છે. છત્તીસગઢમાં વરસાદની રાહ એક સપ્તાહમાં પૂરી થઈ શકે છે. આ સિવાય રાજસ્થાનમાં આઠ દિવસના વિલંબ સાથે જુલાઈના પ્રથમ સપ્તાહમાં ચોમાસું પહોંચવાની ધારણા છે.
ચક્રવાત બિપરજોય અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં ખૂબ જ તીવ્ર ચક્રવાતી તોફાન બિપરજોય ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. તે થોડા સમય માટે ઉત્તર તરફ આગળ વધવાની ધારણા છે ત્યારબાદ તે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ ફરી વળશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિપરજોય ગુરુવારે 23.30 કલાકે પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં ખૂબ જ ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિણમ્યું હતું, જે ગોવાના પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં લગભગ 840 કિમી અને મુંબઈના પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં 870 કિમી દૂર હતું. આગામી બે દિવસ દરમિયાન તે લગભગ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે.
નિષ્ણાતોના મતે ચોમાસાના આગમનમાં વિલંબ એ ચિંતાનો વિષય નથી, કારણ કે આવું પહેલીવાર બન્યું નથી. નિષ્ણાતોએ આશા વ્યક્ત કરી છે કે આગામી બે-ત્રણ અઠવાડિયામાં વરસાદ પ્રારંભિક અછતને પૂર્ણ કરશે.