અમદાવાદઃ ગુજરાતમાં નેઋત્યનું ચોમાસુ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. પણ મેઘરાજાના વિધિવત આગમનમાં વિલંબ થવાની શક્યતા છે. જો કે તાજેતરમાં બિપરજોય વાવાઝોડાને કારણે સારોએવો વરસાદ પડ્યો હતો. ત્યારબાદ રાજ્યમાં બફારા સાથે તાપમાનમાં વધારો થયો છે. ગરમી અને બફારાથી લોકો પરેશાન બની ગયા છે.
હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ મોચા વાવાઝોડાના કારણે કેરળમાં ચોમાસું મોડું શરૂ થયું હતુ અને હાસ તે ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. 21 જૂન થઈ હોવા છતાં અત્યારે મહારાષ્ટ્રના છેક છેડે ચોમાસું પહોંચ્યું છે. ચોમાસાના નિયમિત વરસાદની રાહ જોવાઈ રહી છે. બીજી તરફ નૈઋત્ય દિશા તરફથી ભેજવાળા પવન ફૂંકાઇ રહ્યાં છે. સાથે સાથે ગરમીનો પારો પણ સતત ઊંચકાઇ રહ્યો છે. જેના કારણે લોકો ગરમી અને અસહ્ય બફારાથી બેહાલ બન્યા છે. આગામી 5 દિવસમાં ચોમાસાનો નિયમિત વરસાદ આવે તેવી કોઈ સાનુકુળ સ્થિતિ જોવા મળી રહી નથી. હજુ મહારાષ્ટ્રના છેડા પર ચોમાસું પહોંચ્યું છે. સમગ્ર મહારાષ્ટ્રમાં ચોમાસું બેસી ગયા બાદ દક્ષિણ ગુજરાતથી ચોમાસાનું આગમન થાય છે.
હવામાન વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદની શક્યતા છે. કારણે કે, ભેજ આવી રહ્યો છે. જેના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે.’ જોકે, ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે તેની કોઈ સ્પષ્ટતા કરી નથી. આગામી 5 દિવસમાં ડાંગ, તાપી, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, સુરત, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, જૂનાગઢમાં સામાન્ય વરસાદ રહેશે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ભેજવાળા વાતાવરણને કારણે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ રાજ્યના મોટા ભાગના શહેરના મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેવાની સાથે ભેજનું પ્રમાણ વધ્યું છે.