રાજ્યમાં ચોમાસુ ભરપુરઃ ઉડાઈ ડેમની જવસપાટી 337 ફુટ નજીક પહોંચી
અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં સારો વરસાદ થતા મોટાભાગના જળાશયોમાં નવા પાણીની સારી આવક થઈ છે. રાજ્યના 207 જેટલા જળાશયોમાં અત્યાર સુધીમાં 80 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. દરમિયાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં નોંધપાત્ર વરસાદના પગલે પાણીનો ઈનફ્લો સતત ચાલુ રહેવાના પગલે વીતેલા બે માસમાં ઉકાઈ ડેમની સપાટીમાં 21 ફુટના વધારો નોંધાયો છે. હાલમાં ઉપરવાસમાં વરસાદનું જોર ઘટવા સાથે ઉકાઈ ડેમની ક્ષમતા કરતા 80 ટકા ભરાતા સપાટી રૃલ લેવલથી ઉપર 336.34 ફુટે એલર્ટ લેવલ પર પહોંચી છે.
ચાલુ વર્ષે વરસાદી મોસમના પ્રારંભિક બે મહીનામાં ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીનો હેવી ઈનફ્લો ઠલવાતા શ્રાવણ મહીનાના અંતિમ દિવસોમાં જ ડેમમાં 5921.71 એમસીએમ પાણીના સ્ટોરેજ સાથે 80 ટકા ભરાઈ જવા પામ્યો હતો.
વીતેલા બે મહીનામાં નોંધપાત્ર પાણીની આવકના પગલે આજના રૃલ લેવલ 335 ફુટના આંકને કુદાવીને ડેમની સપાટી 336.34 ફુટ પર પહોંચી છે.આગામી 15મી સપ્ટેમ્બર સુધી ડેમનું રૃલ લેવલ 335ફુટ રહ્યા બાદ 16 સપ્ટેમ્બરથી 340 ફુટ રહેશે. જો કે હાલમાં ડેમની સપાટી 337 ફુટની નજીક હોઈ ઉકાઈ ડેમ રૃલ લેવલથી વધુ હોઈ એલર્ટ લેવલ પર પહોંચ્યો છે.જે અંગે સિંચાઈ વિભાગે કલેકટરેટ તંત્રને જાણ કરી છે
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચાલુ વર્ષે સારો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં 100 ટકાથી વધારે વરસાદ પડ્યો છે. જેના કારણે જળાશયો અને નદીઓમાં નવા પાણીની પુષ્કળ આવક થઈ છે. રાજ્યમાં ચાલુ વર્ષે સારા વરસાદને પગલે ખેડૂતોને પણ સારા ઉત્પાદનની આશા છે.