નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે મણિપુરની ઘટનાના પડઘા પડ્યાં હતા. લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષે હિંસાગ્રસ્ત ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુરની પરિસ્થિતિ પર ચર્ચાની માંગણી સાથે હંગામો કર્યો હતો. જેથી બંને ગૃહો શુક્રવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવ્યા. આજે સવારે 11 વાગ્યે બંને ગૃહોની કાર્યવાહી શરૂ થયા બાદ નવા સાંસદોએ શપથ લીધા હતા. આ પછી દિવંગત સાંસદોને શ્રદ્ધાંજલિ આપીને લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
ફરીથી રાજ્યસભાની કાર્યવાહી ફરી શરૂ થતાં, અધ્યક્ષ જગદીપ ધનખરે મણિપુર હિંસા, બાલાસોર ટ્રેન અકસ્માત, બેરોજગારી અને અન્ય મુદ્દાઓ પર વિવિધ રાજકીય પક્ષોના સભ્યો દ્વારા લાવવામાં આવેલી નોટિસનો ઉલ્લેખ કર્યો હતો. ગૃહના નેતા પીયૂષ ગોયલે કહ્યું કે, સરકાર મણિપુર હિંસા પર ચર્ચા કરવા તૈયાર છે. આ અંગે અધ્યક્ષે કહ્યું કે, મણિપુર હિંસા પર ટૂંકા ગાળાની ચર્ચા માટે નિયમ 176 હેઠળ આપવામાં આવેલી નોટિસ યોગ્ય છે અને ગૃહ તેના પર વિચાર કરી શકે છે. પરંતુ ત્યારપછી વિપક્ષે મણિપુરની સ્થિતિ પર ચર્ચાની માંગ સાથે હંગામો શરૂ કર્યો. આ પછી રાજ્યસભાના અધ્યક્ષ ઉપાધ્યક્ષ જગદીપ ધનખરે ગૃહની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરી દીધી. બપોરે 2 વાગે ફરી એકવાર બંને ગૃહોની કાર્યવાહી શરૂ થઈ ત્યારે વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતો. આ હંગામા વચ્ચે બંને ગૃહની કાર્યવાહી શુક્રવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
દરમિયાન કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, આજે ગૃહની કાર્યવાહી અને બિઝનેસ એડવાઈઝરી કમિટીની બેઠકમાં વિપક્ષનું વલણ જોઈને સ્પષ્ટ થાય છે કે તેઓ મન લઈને આવ્યા હતા કે તેઓ ગૃહની કાર્યવાહીને મંજૂરી નહીં આપે. ગૃહ ચાલુ રહેશે.” કદાચ તેઓ એ વાતથી પરેશાન છે કે જે રીતે પશ્ચિમ બંગાળમાં હિંસાની ઘટનાઓ બની છે અને છત્તીસગઢ અને રાજસ્થાનમાં મહિલા શક્તિની ખૂબ જ કમનસીબ સ્થિતિ છે, જ્યારે સરકારે સ્પષ્ટ કર્યું કે અમે મણિપુરની ઘટનાઓ પર ચર્ચા કરવા તૈયાર છીએ તેમ છતાં કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોએ ગૃહની કાર્યવાહી અટકાવી દીધી હતી. તે સ્પષ્ટ છે કે વિપક્ષ ગૃહની કાર્યવાહી આગળ વધવા દેવા માંગતો નથી.