અમદાવાદઃ દેશના હવામાન વિભાગ (IMD) દ્વારા ચોમાસામાં પડનારા વરસાદની આગાહી કરી છે. જેમાં ગુજરાતમાં ચોમાસાની સીઝનમાં કૂલ 106 ટકા વરસાદ પડવાના સંકેતો આપ્યા છે. એટલે કે ગુજરાતમાં ચોમાસુ સોળઆની રહેશે, સાથે હવામાન પણ સાનુકૂળ કહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એટલે ખેડુતોને ફાયદો થશે.
ગુજરાતમાં બુધવારથી તાપમાનમાં ક્રમશઃ વધારો થશે. અને એપ્રિલના અંત સુધીમાં તાપમાનને પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે. જ્યારે મે મહિનામાં પણ અસહ્ય ગરમીનો સામનો કરવો પડશે. પણ જુનમાં મેઘરાજાનું વાજતે-ગાજતે આગમન થઈ જશે. હવામાન વિભાગે ગુજરાત સહિત દેશમાં સારા વરસાદની આગાહી કરી છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સારા વરસાદની અપેક્ષા છે. સિઝનનો કુલ વરસાદ સરેરાશ 87 સે.મી. સાથે 106 ટકા રહેવાની ધારણા છે. ત્યારે ગુજરાતમાં પણ આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા સારું રહેશે તેવું અનુમાન છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) ના વર્તારા મુજબ સમગ્ર દેશમાં જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસાના વરસાદનો લાંબો સમયગાળો રહેવાનો છે. આ દરમિયાન લગભગ 106 ટકા વરસાદનું અનુમાન છે. આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે. 1971થી 2020 સુધીના 50 વર્ષના વરસાદના આંકડા અનુસાર, આ વર્ષે 87 સેમી વરસાદની ધારણા છે.
હવામાન વિભાગના કહેવા મુજબ કેરળ, તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, ચંડીગઢ, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પુડુચેરી, આંદામાન નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, દાદરા અને નગર હવેલી અને દમણ-દીવ રાજ્યોમાં ચોમાસુ સામાન્ય કરતા સારું રહેશે. જ્યારે ચાર રાજ્યો છત્તીસગઢ, હિમાચલ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં સામાન્ય વરસાદનું અનુમાન છે.