અમદાવાદઃ ગુજરાતમાં ભર ઉનાળે કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યું હતું અને હજુ પણ વાતાવરણમાં પલટાની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ વર્ષે ચોમાસું કેવું રહેશે તેની ચર્ચા જાગી છે. એમાં પણ મતમતાંતરો જોવા મળી રહ્યા છે. જોકે જુદા જુદા હવામાન શાસ્ત્રીઓ એક બાબત પણ સંમત છે. કે, વર્તારો જોતા આ વખતે ચોમાસું ધાર્યા કરતા નબળું રહેશે. જ્યારે ભારતીય હવામાન વિભાગે પણ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની આગાહી કરતા જણાવ્યું કે, પશ્ચિમ મધ્ય ભારતમાં ગુજરાત સહિત આ વર્ષે સામાન્ય કરતા ઓછો વરસાદ થવાની સંભાવના છે. બદલતા હવામાનની અસરોની સાથે ગુજરાત અને ભારત માટે શિયાળો તથા ગરમી ખાસ કરીને વિક્ષેપિત થયા હતા. IMDના જણાવ્યા મુજબ, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તેમના લાંબા ગાળાના સરેરાશ વરસાદના 45થી 55 ટકા વરસાદ પડશે. ગુજરાતમાં છેલ્લાં ત્રણ ચોમાસા દરમિયાન સામાન્ય અથવા સામાન્ય કરતા વધારે વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં ગત વર્ષે સારો વરસાદ પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં તો 100 ટકા કરતા વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે આ વર્ષે ચોમાસું નબળુ રહેવાના સંકેતો મળી રહ્યા છે. હવામાનના ભવિષ્યવેતાઓ તેમજ દેશી પદ્ધતિથી વર્તારો જાણીને આગાહી કરતા કેટલાક પંડિતોના કથન મુજબ ગુજરાતમાં આ વખતે 30થી 40 ટકા વરસાદની ઘટ રહેશે. એટલું જ નહીં જ્યારે ખેતી માટે જરૂર હશે ત્યારે વરસાદ નહીં પડે. મુશ્કેલી ભર્યા વર્ષમાં પહેલેથી જ દુર્લભ વિસ્તારોની ભૂગર્ભજળ પર નિર્ભરતા વધશે. IMDએ પણ આગાહી કરી છે. કે, ઉત્તર પશ્ચિમ ભારતના વિસ્તારો અને પશ્ચિમ મધ્ય ભારતના વિસ્તારો તથા ઉત્તર પૂર્વ ભારતના કેટલાંક વિસ્તારોમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે. ગુજરાતમાં હાલ એક બાજુ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, અને બીજી બાજુ માવઠાની આગાહી પણ કરવામાં આવી છે. ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશનના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડ્યા હતા. ગુરુવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક ભાગોમાં ફરીથી વરસાદ પડે એવી સંભાવના છે.