Site icon Revoi.in

ગુજરાતમાં 5મી ઓક્ટોબરે ચોમાસુ વિદાય લેશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આગામી 5મી ઓક્ટોબરથી મેઘરાજા વિદાય લેશે, હાલ બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે એકાદ સપ્તાહ સુધી રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. રાજ્યના હવામાન વિભાગે આગામી 7 દિવસ ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વરસી શકે છે. 3જી ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે અને 5 ઓક્ટોબરથી ચામાસું વિધિવત વિદાય લેતું હોવાથી ગુજરાત આ વખતે મન મૂકીને ખેલૈયાઓ ગરબે ઘૂમશે.

ગુજરાતમાં હવે મેઘરાજાની વિદાય માટે ઘડિયો ગણાય રહી છે. આજે મંગળવારે બપોર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં 22 તાલુકામાં સામાન્ય વરસાદના ઝાપટાં પડ્યા હતા. જેમાં વરસાદમાં એક ઈંચ વરસાદ પડ્યો હતો. રાજ્યમાં ચોમાસા દરમિયાન સરેરાશ 125.98 ટકા વરસાદ પડ્યો છે. જેમાં કચ્છમાં 183.32 ટકા, ઉત્તર ગુજરાતમાં 107.81 ટકા, મધ્ય ગુજરાતમાં 122.69 ટકા, સૌરાષ્ટ્રમાં 129.82 ટકા, અમે દક્ષિણ ગુજરાતમાં 130.97 ટકા વરસાદ પડ્યો છે.  હાલમાં દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને પશ્ચિમ કચ્છના ભાગોમાં વિધિવત રીતે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ છે. એટલે કે, આ વરસાદી રાઉન્ડ છેલ્લો હોય શકે છે. ત્યારે હવામાન વિભાગના ડાયરેક્ટરે ગુજરાતના ખેલૈયાઓ માટે પણ સારા સમાચાર આપ્યા છે. જેમાં નવરાત્રિ પહેલાં જ વરસાદનો રાઉન્ડ પૂર્ણ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે, ખેલૈયાઓના નવરાત્રિ બગડે તેવી શક્યતા ઓછી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. પરંતુ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં આગામી ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાદમાં ચોથા દિવસથી એટલે કે, 25 સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ગાજબીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકથી છુટા છવાયા વાદળો આકાશમાં દેખાય છે. પરંતુ હાલ પૂરતા આ વરસાદી વાદળ નથી. પરંતુ 25થી 26 સપ્ટેમ્બર બાદ અમદાવાદ શહેરમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.