Site icon Revoi.in

લો બોલો, બિહારમાં માસિક રૂ. 12 હજાર કમાતા શ્રમજીવીને રૂ. 14 કરોડ જમા કરાવવાની IT નોટિસ

Social Share

નવી દિલ્હીઃ આવકવેરા વિભાગ બાકીદારોને ટેક્સ ભરવા માટે નોટિસ પાઠવવા સહિતની કાર્યવાહી કરે છે. દરમિયાન બિહારમાં આવકવેરા વિભાગે મહિને રૂ. 12 હજારની આવક કમાતા એક શ્રમજીવીને નોટિસ ફટકારીને રૂ. 14 કરોડ ભરતા સૂચના આપતા શ્રમજીવી અને તેમનો પરિવાર ચોંકી ઉઠ્યો હતો. બીજી તરફ શ્રમજીવીને આપવામાં આવેલી આઈટીની નોટિસ હાલ સોશિયલ મીડિયામાં વાયલ થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બિહારના રોહતાસમાં રહેતો શ્રમજીવી મનોજ યાદવ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મનોજ યાદવ મહિને લગભગ 12 હજાર જેટલી આવક કમાય છે. દરમિયાન આવકવેરા વિભાગની તેને નોટિસ મળી હતી. નોટિસની અંદર દર્શાવેલી રકમ વાંચીને શ્રમજીવીના હોશ ઉડી ગયા હતા. તેને રૂ. 14 કરોડ ભરવા માટે સૂચના આપવામાં આવી હતી. મનોજ યાદવ આસપાસના વિસ્તારોમાં દૈનિક મજૂરી કરીને મહિને માંડ 12 હજાર રૂપિયા કમાય છે, આવી સ્થિતિમાં તેમને 14 કરોડ રૂપિયા ભરવા નોટિસ મળતા તેઓ મૂંજવણમાં પણ મુકાયા હતા.

આ નોટિસનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આઈટીના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. તેમજ મનોજના ઘરે જઈને તપાસ કરી હતી. આઈટીની તપાસમાં મનોજ ગરીબ હોવાનું અને ટેક્સ ચોરી નહીં કરી હોવાનું સામે આવ્યું હતું. જો કે, આઈટીના અધિકારીઓની તપાસથી ડરી ગયેલો મનોજ અને તેનો પરિવાર ઘરને તાળુ મારીને ક્યાંક ચાલી ગયો હોવાનું જાણવા મળે છે. જો કે, સમગ્ર ઘટનાને લઈને આવકવેરા વિભાગે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.