પાલનપુરમાં RTO બ્રિજ તૂટવાના બનાવને મહિનાઓ વિતી ગયા, છતાં હજુ બ્રિજનું કામ શરૂ કરાયું નથી
પાલનપુરઃ શહેરમાં ગયા ઓક્ટોબર મહિનામાં આરટીઓ નજીક નવનિર્મિત બ્રિજના 6 જોઇન્ટ ગર્ડર એક જમીન દોસ્ત થયા હતા. આ ઘટનાને પગલે સરકારે બ્રિજનું નિર્માણ કરતી એજન્સીને બ્લેકલિસ્ટ કરી હતી.
બ્રિજના ગર્ડર તૂટી પડવાના બનાવને સાડા ત્રણ મહિના કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં સરકાર દ્વારા નવી એજન્સીની પ્રક્રિયા હાથ ધરાઈ નથી અને બ્રિજનું કામ પુનઃ શરૂ થયું નથી. જેને લઇ વાહન ચાલકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે.
પાલનપુર શહેરમાં અમદાવાદ હાઈવેથી અંબાજી તરફ જવા માટે નવનિર્મિત ઓવરબ્રિજનું કામ પૂર્ણ થવાને આરે હતું. થ્રી લેગ એલિવેટેડ સર્કલને લઇ સરકાર તેનું ગૌરવ લઈ રહી હતી. કારણ કે, આખા ગુજરાતમાં પ્રથમ પ્રકારનું એલિવેટેડ સર્કલ હોવાથી તેને ઝડપી પૂર્ણ કરી કાર્યરત કરવાની તમામ તૈયારીઓ હાથ ધરાઈ હતી અને છેલ્લા તબક્કાનું કામ ચાલી રહ્યું હતું તેવામાં એક પછી એક વિશાળ 6 ગર્ડર જમીન દોસ્ત થઈને રિક્ષા પર પડતા બે યુવાનોના પણ મોત નીપજ્યા હતા. આથી સરકારે બ્રિજ બનાવતી એજન્સીને બ્લેક લિસ્ટ કરી મુખ્ય કોન્ટ્રાક્ટર સહિતના સ્ટાફ સામે કાર્યવાહી કરી હતી. હાલ સાડા ત્રણ મહિના વિતિ ગયા હોવા છતાંયે બ્રિજનું અધૂરૂ કામ શરૂ કરવામાં આવ્યું નથી. સરકાર દ્વારા તાત્કાલિક બ્રિજનું પુનઃ કામ શરૂ કરવા રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે. હાલ સ્થિતિ એવી છે કે અમદાવાદ હાઈવેથી અંબાજી તરફ જવા માટે પાલનપુર સિટીની વચમાંથી પસાર થવું પડે છે અને પાલનપુરના ભરચક ટ્રાફિકમાંથી નીકળતા વાહનચાલકોને નાકે દમ આવી જાય છે.
પાલનપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યા વકરતી જાય છે. એક વર્ષથી હવે નવા વિકસી રહેલા એસટી બસ સ્ટેશન વિસ્તારમાં વાહનોની ભારે ભીડ અહીં રહે છે. એમાં પણ એરોમા સર્કલથી સિટીમાં પ્રવેશી ન્યુ બસ પોર્ટ તરફ વળતી એસટી બસો સર્કલના અભાવે અન્ય વાહન સાથે અકસ્માત સર્જવાની વ્યાપક શક્યતા રહે છે. અગાઉ આ અંગે માર્ગ અને મકાન વિભાગને સ્થાનિક અગ્રણીઓ દ્વારા રજૂઆત કરાઈ હોવા છતાં સર્કલ બનાવવાની બાબતને લઈ ગંભીરતા દાખવાતી નથી. અહીં રોજ રોજ એસટી બસ લઈને પ્રવેશ કરતા કેટલાક એસટી ડ્રાઇવર મુશ્કેલી અનુભવી રહ્યા છે. એરોમા સર્કલ પર મોટો વળાંક છે એટલે વાહનો સરળતાથી વળી જાય છે પરંતુ એસટી બસ પોર્ટમાં વળાંક લેવા માટે રોડમાંથી સીધો કટ લઈને વળવું પડે છે પરંતુ ટુ-વ્હીલર અને રિક્ષા ચાલકોને આગળ જવાની ઉતાવળના લીધે ક્યારેક અકસ્માતની ઘટના થતા થતા રહી જાય છે.