- મોપેડ-બાઈક સામસામે અથડાતા બન્ને સવારો રોડ પર પટકાયા,
- બુલેટચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ,
- પોલીસે અકસ્માતનો ગુનોં નોધી તપાસ હાથ ધરી
ગાંધીનગરઃ શહેરમાં એસ ટી બસ સ્ટેશન નજીક ઈલેક્ટ્રીક મોપેડનાં ચાલકે પોતાનું મોપેડ ગફલતભરી રીતે હંકારી બુલેટ સાથે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત બુલેટ ચાલક યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજતા સેકટર – 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાંથી આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, ગાંધીનગરના સેકટર – 16- છ ટાઈપ મકાન નંબર – 78/4 માં રહેતા મૂળ લીંબોદરા ગામના વતની જગદિશસિંહ તખતસિંહ વાઘેલા પોલીસ વિભાગમાં નોકરી કરે છે. ગત તા. 15 મી ઓક્ટોબરનાં રોજ રાત્રીના સમયે તેઓ ઘરે હાજર હતા. દરમિયાન તેમના દીકરા મહાવીરસિંહ (ઉં.વ 18) ના મિત્ર હેતપાલસિંહે ફોન કરીને જાણ કરી હતી કે મહાવીરસિંહને અકસ્માત થયો હોવાથી સિવિલ લઈ જવામાં આવ્યો છે. આ સાંભળી જગદિશસિંહ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યાં માલુમ પડયું હતું કે, મહાવીરસિંહ બુલેટ લઈને પથિકા એસ.ટી ડેપોના પાછળના રોડથી સેક્ટર- 11 તરફ જઈ રહ્યો હતો. એ વખતે ઇલેક્ટ્રીક મોપેડના ચાલકે તેનુ મોપેડ પુરઝડપે અને ગફલતભરી રીતે રોડના વળાંક રસ્તા ઉપર એકદમ વચ્ચે લાવી દઈ બુલેટ સાથે અકસ્માત સર્જ્યો હતો.આ અકસ્માત સર્જાતા બંને વાહન ચાલકને ઈજાઓ થઈ હતી. બાદમાં મહાવીરસિંહને માથામાં ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જેનું 16 મી ઓક્ટોબરે સાંજના સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. આ બનાવમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.