Site icon Revoi.in

મોરબીઃ કરોડોના હેરોઈન પ્રકરણમાં પાકિસ્તાન અને UAE બાદ હવે પંજાબ કનેકશન ખુલ્યું

Social Share

અમદાવાદઃ મોરબીના નવલખી બંદર પાસે ઝીંઝુડા ગામના બે મકાન ઉપર એટીએસ અને એસઓજીની ટીમે દરોડો પાડીને કરોડની કિંમતનો 120 કિલો જેટલો હેરોઈનનો જંગી જપ્ત ઝડપી લીધો હતો. આ ઉપરાંત આ પ્રકરણમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાનથી આવેલો ડ્રગ્સનો જથ્થો પંજાબ મોકલાવવાનો હોવાનું ખૂલ્યું છે. આમ આ પ્રકરણમાં પાકિસ્તાન, યુએઈ બાદ હવે પંજાબ કનેકશન સામે આવ્યું છે. આ પ્રકરણમાં વધુ પાંચ આરોપીઓની અટકાયત કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઝીંઝુડામાંથી એટીએસની ટીમે બે મકાન ઉપર છાપો મારીને 500 કરોડથી વધુની કિંમતનો 120 કિલો હેરોઈનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. કોરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. તેમજ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનું કાવતરુ યુએઈમાં ઘડાયું હતું અને ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનથી દરિયા માર્ગે આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ કન્સાઇનમેન્ટ પંજાબ મોકલવાનું હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યુ છે . પોલીસે પંજાબના આરોપીને આઇડેન્ટીફાઇ કર્યા છે . જેમાંથી પાંચ આરોપીને દબોચી લીધા હોવાનું જાણવા મળ્યું છે.

પાકિસ્તાનથી કરોડોનું ડ્રગ્સ મોકલનારા ઝાહીદ બલોચના પિતા બશીર બલોચની પણ ઇન્ડોનેશિયામાં બીજા 600 કરોડના હેરોઇન સાથે ઝડપાયો હોવાનુ જાણવા મળ્યું છે. એટીએસની તપાસમાં હજુ અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. તેમજ અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યાં છે.