મોરબીઃ રાજ્યમાં સિરામિક ઉદ્યોગની પનોતી ચાલી રહી હોય તેમ કોરોના કાળમાંથી માંડ બેઠા થયેલા આ ઉદ્યોગને હવે ગેસના ભાવ વધારાનું ગ્રહણ નડી રહ્યું છે. સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવોમાં છેલ્લા થોડા મહિનાઓમાં સતત ભાવવધારો જોવા મળ્યો હતો એટલું ઓછું હોય તેમ હવે પુરતો ગેસ આપવામાં આવતો ના હોવાથી સિરામિક ઉદ્યોગ કપરી પરિસ્થિતિમાં મુકાયો છે. આજે સિરામિક ઉદ્યોગપતિઓ ગેસ કંપનીની ઓફિસે પહોંચી ગયા હતા અને હલ્લાબોલ કરી રજૂઆત કરવામાં આવી હતી. સિરામિક એસોએ એવી રજુઆત કરી હતી કે, પીએનજી ગેસના ભાવમાં તોતિંગ વધારો કરાયા બાદ પણ પુરતો ગેસનો સપ્લાઈ આપવામાં આવતો નથી.
મોરબી સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસના ભાવોમાં થોડા મહિનાઓમાં જ અંદાજે ડબલ જેટલો વધારો કરાયો છે આટલા ભાવવધારાછતાં ગેસ સપ્લાય પૂરતા પ્રમાણમાં આપવામાં ના આવતા સિરામિક એકમોને પ્રોડક્શનમાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય જે સમસ્યાથી કંટાળી જઈને મોરબી સિરામિક એસોના નેજા હેઠળ ઉદ્યોગપતિઓ ગેસ કંપનીની ઓફિસે પહોંચ્યા હતા મોટી સંખ્યામાંઉદ્યોગપતિઓએ ઓફિસે પહોંચીને ગેસ કંપનીને રજૂઆત કરી હતી. અને તાત્કાલિક નિરાકરણ ના આવે તો આંદોલન કરવાની પણચીમકી ઉચ્ચારી છે.
મોરબી સિરામિક એસો દ્વારા ગુજરાત ગેસ લિમિટેડને રજૂઆત કરી જણાવ્યું હતું કે, ગેસ કંપની દ્વારા જે ભાવ વધારો થાય છે તે એપ્રિલ મહિના માટે એક જ ફિક્સ ભાવથી આપવામાં આવે તેમજ જરૂરી પુરવઠો આપવામાં આવે તેવી માગ છે. સિરામિક એસોના મેમ્બરોએ અગાઉ પણ માગણી કરી હતી. તેનો આજ સુધી જવાબ આપ્યો નથી જેથી તાત્કાલિક જવાબ આપવા અને પુરતો ગેસ આપવા માંગ કરવામાં આવી છે.