- યાર્ડમાં બે દિવસ કપાસ અને મગફળી આવક બંધકરી
- અન્ય જણસીની આવક રાબેતા મુજબ ચાલુ
- કમોસમી વરસાદની આગાહીને લઈને લેવાયો નિર્ણય
મોરબી: રાજ્યમાં કમોસમી વરસાદની અસર એવી થઈ છે કે જેને લઈને હવે ખેડૂતો ચિંતામાં આવ્યા છે. વાત એવી છે કે રાજ્યમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે અને અમદાવાદમાં તો વરસાદી ઝાપટા પણ પડ્યા છે. આ કારણોસર મોરબીમાં માર્કેટયાર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે મોરબીના માર્કેટિંગ યાર્ડમાં બે દિવસ કપાસ અને મગફળી આવક બંધ કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા 30 નવેમ્બર 02 ડિસેમ્બર સુધી ઝડપી પવન અને વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી, 1 અને 2 ડીસેમ્બર એમ બે દિવસ કપાસ અને મગફળી આવક બંધ કરવામાં આવી છે અન્ય જણસની આવક રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી છે.
આ બાબતે માર્કેટિંગ યાર્ડ દ્વારા લોકોને નોંધ લેવાનું જણાવવામાં આવ્યું છે તેમજ એજન્ટ અને વેપારીઓએ પોતાનો માલ પલળે નહિ તેની તકેદારી રાખવા પણ યાર્ડની યાદીમાં જણાવ્યું છે. મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે વરસાદ વરસવાની શકયતાઓ જણતા ખેડૂતોએ પોતાની જણસ યોગ્ય સ્થળે રાખવા માટે પણ અપીલ કરી છે.
મહત્વનું છે કે જો આ પ્રકારે વાતાવરણ વધારે સમય રહે તો ખેતરોમાં રહેલા પાકને પણ નુક્સાન થવાની સંભાવના છે સાથે જે અનાજ માર્કેટ યાર્ડમાં છે તેને પણ નુક્સાન થવાની સંભાવના છે. રાજ્યમાં વાતાવરણ પલટાને કારણે મોરબી માર્કેટ યાર્ડ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે નિર્ણય અન્ય માર્કેટ યાર્ડ દ્વારા પણ લેવામાં આવી શકે છે.