મોરબીઃ દેશમાં એક સમયે પેટ્રોલ-ડીઝલનાં તોતિંગ ભાવ વધારાને લીધે દરેક ચિજ-વસ્તુઓના ભાવમાં પણ તોતિંગ વધારો થયો હતો. ત્યારબાદ સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આંશિક રાહત આપતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ અગાઉ પેટ્રોલ-ડીઝલના કારણે જે ચિજવસ્તુઓમાં ભાવ વધારો થયો હતો એમાં કોઈજ ઘટાડો કરાયો નથી એટલે મોંઘવારીએ માઝા મુકી છે જેની સામે આમઆદમીએ જીવન જીવવું મુશકેલ બન્યું છે. સાથે જ ઉદ્યોગ-ધંધાની હાલત પણ કફોડી બનતી જાય છે. જેમાં મોરબીનો સિરામીક ઉદ્યોગ પણ ભાંગી પડયો છે. સિરામીક ઉદ્યોગમાં વપરાતી બધી વસ્તુના ભાવમાં વધારો થવાથી અત્યારે મોરબી સિરામીકના 50 ટકાથી વધુ યુનિટ બંધ છે. મોરબીના સિરામિક ઉદ્યોગની માઠી દશા જોવા મળી રહી છે અને ઉદ્યોગ મૃત પાય સ્થિતિમાં છે ત્યારે સરકાર ઉદ્યોગને બચાવવા યોગ્ય કદમ ઉઠાવે અને તાત્કાલિક કાર્યવાહી કરવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટસ એસો.ના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટસ એસો દ્વારા પત્ર લખીને એવી રજુઆત કરવામાં આવી હતી કે, મોરબીનો સિરામિક ઉદ્યોગને પગલે ટ્રાન્સપોર્ટ અને પેકેજીંગ જેવા ઉદ્યોગો પણ વિકાસ પામ્યા છે અને લાખો લોકોને રોજગારી મળે છે. જે ઉદ્યોગ હાલ મૃતપાય અવસ્થામાં છે. પેટ્રોલ-ડીઝલ ભાવવધારો, કન્ટેનરના ભાડામાં વધારો, રો મટીરીયલ્સનો ભાવવધારો, ઈલેક્ટ્રીસીટી ભાવવધારો અને ગેસના ભાવ વધારાને પગલે ઉદ્યોગ પડી ભાંગ્યો છે. જેના કારણે હાલ 50 ટકાથી વધુ યુનિટ બંધ છે. જેથી સિરામિક ઉદ્યોગ માટે કેટલીક માગણીઓ કરવામાં આવી છે. જેમ કે (1) ગેસ નો ભાવ વધારો બંધ કરી ભાવોમાં ઘટાડો કરો અને ગુજરાત સરકારનો જે પણ ટેક્સ ગેસ પર હોય તે નાબુદ કરો. (2) કન્ટેઈનરના ભાવ વધતા જે એક્ષ્પોર્ટમાં ઘટાડો આવેલ છે. તે એક્ષ્પોર્ટમાં વધારો થાય તે માટે એક્ષ્પોર્ટ કરનાર યુનિટને કન્ટેઈનર ભાડા સામે સબસીડી આપો. (3) આંતરરાષ્ટ્રીય માર્કેટમાં અન્ય દેશની પ્રોડકસ સામે ભારતનો માલ ભાવની પેરીટીએ ટકી શકે માટે ગુજરાત સરકારમાંથી એક્ષ્પોર્ટ કરનારાને કરવેરાના લાભો આપો. (4) જેમ પેટા ચુંટણીના પરિણામની અસરથી પેટ્રોલ ડીઝલના ભાવોમાં ભારત સરકારે ઘટાડો કરેલ છે તેમ ગુજરાત સરકાર ગેસના ભાવમાં તેમજ ઇલેક્ટ્રિકના યુનિટના ભાવમાં ઘટાડો કરે તેવું કરો. (5) વારંવાર ભાવ વધારો આવશે તેવા સમાચારો બંધ કરીને ઉદ્યોગકારોને થતા માનસિક ત્રાસમાંથી બચાવો અને તેઓને હૈયાધારણા આપો કે હવે એક વર્ષ સુધી ભાવ વધારો નહિ થાય અને તેવું આયોજનો કરો. (6) ડોમેસ્ટિક માર્કેટમાં વેચાણ વધે તે માટે ઉદ્યોગકારોને કોઈ સ્કીમ લાવીને પ્રોત્સાહન આપો. (7) મોટા ઉદ્યોગપતિઓના દેવા માફ થાય છે. તેવી રીતે નબળા પડેલા યુનિટોના દેવા માફ કરીને તે ફરીથી પોતાનો બિઝનેશ ચાલુ કરી શકે તેવી સ્કીમ લાવવાની માગણી કરવામાં આવી છે. (file photo)