Site icon Revoi.in

મોરબીના સિરામિક ઉદ્યોગને કન્ટેઈનર્સના તોતિંગ ભાડાનું ગ્રહણઃ નિકાસમાં થયો ઘટાડો

Social Share

અમદાવાદ :  રાજ્યમાં કોરોનાના કાળ બાદ હવે ઉદ્યોગ-ધંધા ધમધમતા થવા લાગ્યા છે. ત્યારે  ટુ વે ટ્રાફિક અને કન્ટેઇનરોની અછતને લીધે વૈશ્વિક સ્તરે ફ્રેઇટ રેટ ખૂબ વધી જતા નિકાસ પર અસર પડવાના સંકેતો મળવા લાગ્યા છે. નિકાસમાં ગુજરાતનો સિંહફાળો છે, મોરબીના સિરામીક ઉદ્યોગમાં દોઢ વર્ષથી કોરોનાની સ્થિતિ છતાં માગની કમી ન હતી પણ છેલ્લાં એકાદ મહિનાથી નિકાસ પર અસર પડવા લાગી છે. ફ્રેઇટ ત્રણથી ચાર ગણું વધી જતા પાછલા એક મહિનામાં નિકાસ આશરે 20-25 ટકા જેટલી પ્રભાવિત થશે તેમ માનવામાં આવે છે. મોરબીના સિરામિક ઉદ્યોગની નિકાસ વિશ્વના ખૂણે ખૂણે થઇ રહી છે. વર્ષે રુ.12થી 14 હજાર કરોડની નિકાસ થાય છે પણ જુલાઇથી નિકાસમાં ઘટાડો શરૂ થયો છે. કન્ટેઇનરો ખૂબ જ મોંઘા છે છતાં મળવાની પણ સમસ્યા છે. આમ બેવડી મુશ્કેલી નિકાસકારો અનુભવી રહ્યા છે.

મોરબી સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, એપ્રિલથી જૂન સુધીમાં આશરે રુ.4 હજાર કરોડની નિકાસ થઇ હોવાનો કાચો અંદાજ છે. મહિને સરેરાશ રુ.1000 કરોડની નિકાસ થાય છે. જુલાઇથી નિકાસમાં ઘટાડો શરું થયો છે પણ હવે તે 20-25 ટકા જેટલો માસિક ધોરણે થઇ શકે એવું અત્યારે જણાય છે.

મહામારી વખતે અગાઉ ચીને અછત સર્જી હતી. જોકે હવે સ્થાનિક સમસ્યા ઘણી છે. નિકાસ સાથે સંકળાયેલા ટ્રેડરો કહે છે, બન્ને તરફે ટ્રાફિક મળતો નથી એ કારણે ભાડાં વધી ગયા છે. કન્ટેઇનર કંપનીઓ અગાઉથી વધુ બુકિંગ પણ લેતા નથી. અમેરિકામાં સિરામિકની નિકાસ કરવી હોય તો કન્ટેઇનર દીઠ 1800 ડોલર જેટલું ભાડું ગયા વર્ષે હતુ એના અત્યારે 6000-6500 ડોલર થઇ ચૂક્યાં છે.

અન્ય ડેસ્ટીનેશનોમાં જ્યાં 700 ડોલરમાં માલ પહોંચતો હતો ત્યાં અત્યારે 4500 ડોલર લેવાય છે. લેટિન અમેરિકા કે કેનેડાના દૂરના વિસ્તારોમાં માલ મોકલવા માટે 2500 ડોલર સામાન્ય રીતે ચાલતા હતા તેના અત્યારે 25-30 હજાર ડોલર જેટલા અવાસ્તવિક ભાવ પણ ક્વોટ થાય છે. ઉંચા ભાડાં હવે કેટલો સમય રહે છે તે મહત્વનું છે. કારણકે લાંબો સમય ભાડાં ન ઘટે તો નિકાસના ટર્નઓવરમાં ચોક્કસપણે ઘટાડો થશે તેમ ઉદ્યોગકારો કહે છે.

કોરોનાની બીજી લહેર હવે પૂરી થવા આવી છે ત્યારે અનલાકિંગની પ્રક્રિયા ચાલુ છે પરંતુ હજુ બજારોમાં ખરીદીનો મૂડ ન હોય તેમ બાંધકામ પ્રવૃત્તિ ધીમી છે અને નવી માગ પણ ઉપસ્થિત થતી નથી એટલે ઉદ્યોગને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બન્ને મોરચે માગના મુદ્દે સહન કરવાનું આવ્યું છે.