અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં મોરબી શહેર સિરામિક અને વોલ ક્લોક ઉદ્યોગ માટે જાણીતું છે. આ બન્ને ઉદ્યોગો લાકો લોકોને રોજગારી પુરી પાડી રહ્યું છે. કોરોના લોકડાઉને મોરબીના પરંપરાગત વોલ ક્લોક ઉદ્યોગને જબરો આર્થિક ફટકો માર્યો છે. વોલ ક્લોકની સૌથી વધારે માગ રહે છે તેવા રાજ્યોમાં કડક લોકડાઉન પાછલા દોઢેક માસથી ચાલી રહ્યું છે. ઉત્પાદકો પાસે નવા ઓર્ડર આવતા નથી અને માલનો વધુ ભરાવો થઇ ગયો છે. મોરબીના 150 જેટલા એકમોમાં હવે સરેરાશ 10થી 12 દિવસ પ્રતિ માસના ધોરણે કામકાજ ઉદ્યોગકારો કરી રહ્યા છે.
મોરબી વોલ ક્લોક મેન્યુફેક્ચરર્સના કહેવા મુજબ દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તામિલનાડું, કેરળ, આંધ્ર અને મહારાષ્ટ્રમાં મોરબીની વોલ ક્લોકની માગ સૌથી વધારે હોય છે પણ ત્યાં લોકડાઉન ચાલી રહ્યું છે એટલે નવા ઓર્ડર આવતા નથી. તેમના મતે આ રાજ્યોમાં કુલ ઓર્ડરો પૈકી 80 ટકા જેટલો માલ જતો હોય છે પણ અત્યારે કોઇ માગ આવતી નથી. એ કારણે ઉત્પાદનને જબરો ફટકો પડ્યો છે.
મોરબીમાં વોલ ક્લોકનું ઉત્પાદન કરનારા 150 જેટલા યુનિટો છે. એમાંથી 90 ટકા જેટલા નાના યુનિટો છે. નાના ઉદ્યોગોની હાલત કથળતી જાય છે. રોજબરોજના ખર્ચા અને કર્મચારીઓના પગાર વગેરે યથાવત છે પણ સામે વેચાણ નહી જેવું છે. તમામ ઉત્પાદકો અત્યારે ગંભીર નાણાભીડનો સામનો કરી રહ્યા છે. ઉત્પાદન ત્રણ કે ચાર દિવસે એક વખત આઠેક કલાક પૂરતું થાય છે. એમાં ઉત્પાદન થાય તે ઘડિયાળોનો પણ સ્ટોક થતો જાય છે.
નાના એકમો નાની જગ્યામાં ઉત્પાદન કરતા હોય છે એટલે હવે સ્ટોક સાચવવાની જગ્યા ઠેર ઠેર ટૂંકી પડવા લાગી છે. હવે માગની સ્થિતિમાં ઝડપથી સુધારો ન થાય તો ઉત્પાદકોની ખોટ બેવડાશે. ઉત્પાદકો કહે છે, સ્ટાફને સાચવવા માટે અને રોજગાર ન છીનવાય જાય એ માટે ઉત્પાદન ધીમી ગતિએ ચાલુ રાખવું પડી રહ્યું છે પણ સરવાળે ઉત્પાદકોને એમાં નુક્સાની જ જઇ રહી છે.’