Site icon Revoi.in

ગુજરાતમાં હોળી-ધૂળેટીના તહેવારને લઈને એસટી દ્વારા દોડાવાશે વધારે બસો

Social Share

અમદાવાદઃ ગુજરાતના હોળી-ધૂળેટીની ધાર્મિક માહોલની સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. હાલ અમદાવાદ સહિતના શહેરી વિસ્તારમાં રહેતા લોકો હોળી-ધૂળેટીની ઉજવણી કરવા પોતાના ગામ જઈ રહ્યાં હોવાથી એસટી સ્ટેન્ડ ઉપર મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. મુસાફરોને હાલાકી ન પડે તે માટે એસટી નિગમ દ્વારા વધારે બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એસટી બસમાં મુસાફરી કરતા પ્રવાસીઓએ સરકારની કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું પડશે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ સહિતના શહેરી વિસ્તારમાં પંચમહાલ અને ગોધરાના શ્રમજીવીઓ મોટી સંખ્યામાં રોજગારની શોધમાં આવે છે. હોળીમાં પંચમહાલ અને ગોધરાના લોકો પોતાના ગામ જાય છે. જેને લઈને દર વર્ષે એસટી વિભાગ દ્વારા મુસાફરોને હાલાકી ના પડે અને ખાનગી બસોમાં વધારે પૈસા આપીને મુસાફરીનાં કરવી તેના માટે વધારે બસોનું સંચાલન કરવામાં આવે છે. અમદાવાદનાં ગીતામંદિર બસ સ્ટેન્ડ અને સુરત મુખ્ય બસ ડેપો ખાતે પંચમહાલ સંતરામપુર અને ગોધરાનાં મુસાફરો વધારે હોય છે. જેથી આગામી 25 થી 27 તારીખ દરમિયાન દોરરોજની 100 બસો દોડાવવામાં આવનારી છે. આમ એક તરફ હોળી ધુળેટીનાં તહેવારને લઈને એસટી વિભાગ સક્રિય થઇ ગયું છે અને મુસાફરોની સવલત માટે વધારે બસો દોડાવવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ વધતા કોરોના કેસને લઈને પણ સાવચેતીનાં તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં કોરોનાના પોઝિટિવ કેસ વધતા મહારાષ્ટ્રથી ગુજરાત આવતી એસટી બસના તમામ મુસાફરોનો ફરજીયાત કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જો રિપોર્ટ નેગેટિવ આવશે તો જ પ્રવાસીને ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવશે.