નવી દિલ્હીઃ ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજદ્વારીઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. દરમિયાન ભારત સરકારે કહ્યું હતું કે, અમે વિદેશી તમામ દેશના રાજદ્રારીની સુરક્ષા કરીએ છીએ. અમે અમારી જવાબદારીથી પાછળ હટતા નથી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, “અમે અમારી જવાબદારીઓને ખૂબ ગંભીરતાથી લઈએ છીએ. અમે ભારતમાં વિદેશી રાજદ્વારીઓને તમામ પ્રકારની સુરક્ષા ચોક્કસપણે પૂરી પાડીશું. અમે પણ અપેક્ષા રાખીએ છીએ કે કેનેડા અમારા રાજદ્વારીઓ પ્રત્યે સમાન સંવેદનશીલતા દાખવે.” તેમણે આ સમય દરમિયાન કહ્યું કે કેનેડિયનોને હાલમાં વિઝા મળશે નહીં.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેનેડામાં જેટલા ભારતીય રાજદ્વારીઓ છે તેના કરતાં હિન્દુસ્તાનમાં કેનેડિયન રાજદ્વારીઓની સંખ્યા વધુ છે. આવી સ્થિતિમાં બંને દેશો વચ્ચે સંખ્યા સમાન હોવી જોઈએ. “અમે આશા રાખીએ છીએ કે કેનેડા આતંકવાદ ઉપર અને પોતાના દેશમાં ભારત વિરોધી ગતિવિધિઓ અંગેની અમારી ચિંતાઓ દૂર કરશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, અમે કેનેડાની ધરતી પરથી થતી ભારત વિરોધી ગતિવિધિઓ અંગે કેનેડાને ચોક્કસ માહિતી આપી હતી. તેમણે વધુમાં કહ્યું કે, કેનેડાએ હરદીપ સિંહ નિજ્જરની હત્યા કેસમાં ભારત સાથે વિગતવાર માહિતી શેર કરી નથી. તેમજ કેનેડાના તમામ આરોપો રાજકીય પ્રેરિત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખાલિસ્તાનીઓ મામલે કેનેડાએ કરેલા ગંભીર આક્ષેપ બાદ ભારત અને કેનેડાના વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે. કેનેડાના તમામ આક્ષેપો ભારતે ભગાવી દીધા છે. તેમજ કેનેડામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ અને વસવાટ કરતા ભારતીયોને લઈને એડવાઈઝરી પણ જાહેર કરી છે.