અમદાવાદમાં મ્યુનિ.શાળાઓમાં ગત વર્ષ કરતા આ વર્ષે વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો
અમદાવાદઃ શહેરમાં હવે મ્યુનિ. શાળાઓમાં વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી રહ્યા છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી મ્યુનિ. શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધર્યું છે. મ્યુનિ.શાળાઓને પણ ખાનગી શાળા જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ઉપરાંત વધતી જતી મોંધવારીને લીધે વાલીઓને ખાનગી શાળાઓની ફી પરવડી શકે તેમ નથી. આ બધા કારણોને લીધે હવે વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળાઓમાંથી મ્યુનિ. શાળાઓમાં પ્રવેશ અપાવી રહ્યા છે. આ વર્ષે ધોરણ 1માં પણ મ્યુનિ. શાળાઓમાં પ્રવેશનો ક્રેઝ ખાનગી શાળાઓ કરતા વધુ જોવા મળ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં સ્માર્ટ શાળાઓ, અંગ્રેજી માધ્યમની શાળાઓ સાથે મ્યુનિ.ની શાળાઓના શિક્ષણ સ્તરમાં પણ સતત થઇ રહેલા સુધારા બાદ ખાનગી શાળાઓમાંથી મ્યુનિ. શાળામાં પ્રવેશ મેળવવાનો ધસારો સતત વધી રહ્યો છે. ચાલુ વર્ષે ખાનગી શાળાના 2828 જેટલા વિદ્યાર્થીઓએ મ્યુનિ. શાળામાં પ્રવેશ મેળવ્યો છે. નોંધનીય છે કે, ગત 2022માં 1400 જેટલા બાળકોએ ખાનગી શાળાને છોડી મ્યુનિ. શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. એટલે ગત વર્ષની તુલનાએ પ્રવેશનો વધુ ધસારો જોવા મળી રહ્યો છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, મ્યુનિ. શાળામાં પ્રવેશોત્સવમાં પણ મોટી સંખ્યામાં બાળકો દ્વારા બાલવાટીકાથી ધોરણ 1 માં મોટી સંખ્યામાં બાળકોએ પ્રવેશ મેળવ્યો છે. ખાનગી શાળાઓ છોડી 1492 જેટલા વિદ્યાર્થી અને 1336 જેટલી વિદ્યાર્થીનીઓએ મ્યુનિ. શાળામાં પ્રવેશ મેળવ્યો છે. જેમાં સૌથી વધારે ઉત્તરઝોનમાં 494 જેટલા બાળકોએ મ્યુનિ. શાળામાં પ્રવેશ મેળવ્યો છે. 200 વિદ્યાર્થીઓએ અંગ્રેજી માધ્યમની શાળામાં પ્રવેશ મેળવ્યો છે. પૂર્વઝોનમાં પણ 472 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. હાલની સ્થિતિએ જોતા ધોરણ 1 માં 24,884 જેટલા બાળકોએ પ્રવેશ મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ખાનગી શાળાઓમાં વધી રહેલી ફીને કારણે વાલીઓ પર ભારણ પડી રહ્યું છે. આ સાથે મ્યુનિ.ની શાળામાં અનેક સુવિધામાં વધારો થતા વાલીઓ બાળકોને મ્યુનિ.ની શાળામાં બેસાડી રહ્યા છે.