Site icon Revoi.in

રાજ્યમાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે 1.10 લાખથી વધુ ખેડુતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું

Social Share

અમદાવાદઃ મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે સરકારે રજિસ્ટ્રશનની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં અત્યાર સુધીમાં મગફળીના ટેકાના ભાવ માટે 1 લાખ 10 હજાર 243 રજિસ્ટ્રેશન થયા છે. જેમાં સૌથી વધુ રાજકોટમાં 26998 અને ગીર સોમનાથમાં 23745 રજિસ્ટ્રેશન થયા છે. સૌથી ઓછા અમદાવાદ, આણંદ, પાટણમાં 1-1 રજિસ્ટ્રેશન થયું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ખેડુતોને મગફળીના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે ખેડુતો પાસેથી રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં રાજકોટમાં 26998, સાબરકાંઠામાં 6465,  જૂનાગઢમાં 10935, અરવલ્લીમાં 5275, સુરેન્દ્રનગરમાં 4067, મોરબીમાં 4150, પોરબંદરમાં 2571, ગાંધીનગરમાં 672, જામનગરમાં 8079, દેવભૂમિ દ્વારકામાં 9645, બનાસકાંઠામાં 1275, બોટાદમાં 61, ભાવનગરમાં 343, મહેસાણામાં 169, ખેડામાં 58, કચ્છમાં 125, મહીસાગરમાં 37, પાટણમાં 1,  દાહોદમાં 2, અમદાવાદમાં 1 અને આણંદમાં 1 રજિસ્ટ્રેશન થયું છે.

કોરોના વચ્ચે અતિવૃષ્ટિના કારણે ચાલુ વર્ષે વાવેતર વિસ્તાર ઘટવાની સાથે પાકના ઉત્પાદન ઉપર પણ તેની અસર પડી છે. ખેડૂતોને વાવેતરમાં બીયારણ તથા પાણી, વીજળી સહિતના અન્ય ખેતીના ખર્ચા જ નિકળી શકે તેમ નથી ત્યારે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મગફળીનું ટેકાના ભાવે ખરીદી કરવાનું નક્કી કર્યું છે.આ માટે 1લી  ઓક્ટોબરથી રજીસ્ટ્રેશન પણ શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લાના દરેક ગામના ઇ-ગ્રામ કેન્દ્ર ખાતે પણ ખેડૂતો નિઃશુલ્ક ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકશે. ત્યાર બાદ ખેડૂતોને ટોકન આપવામાં આવશે. જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા મળતી માહિતી પ્રમાણે ખેડૂતો રજીસ્ટ્રેશન માટે એપીએમસી ઉપરાંત ગ્રામ સેવક અથવા તાલુકા વિસ્તરણ અધિકારીનો પણ સંપર્ક કરી શકે છે.