1. Home
  2. ગુજરાતી
  3. છેલ્લાં આઠ વર્ષમાં 1.5 લાખથી વધારે સ્ટાર્ટઅપ્સ શરૂ કરવામાં આવ્યાં છેઃ નરેન્દ્ર મોદી
છેલ્લાં આઠ વર્ષમાં 1.5 લાખથી વધારે સ્ટાર્ટઅપ્સ શરૂ કરવામાં આવ્યાં છેઃ નરેન્દ્ર મોદી

છેલ્લાં આઠ વર્ષમાં 1.5 લાખથી વધારે સ્ટાર્ટઅપ્સ શરૂ કરવામાં આવ્યાં છેઃ નરેન્દ્ર મોદી

0
Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળાને સંબોધન કર્યું હતું અને આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવનિયુક્ત યુવાનોને 51,000થી વધારે નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. રોજગાર મેળો રોજગાર સર્જનને પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે. તે યુવાનોને રાષ્ટ્રનિર્માણમાં પ્રદાન કરવા માટે અર્થપૂર્ણ તકો પ્રદાન કરીને તેમને સશક્ત બનાવશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કે, લાખો યુવાનોને કાયમી સરકારી નોકરીની ઓફર કરવી એ એક વારસો છે, જે સતત ચાલી રહ્યો છે. તેમણે ઉમેર્યું કે ભાજપ અને એનડીએના સાથી પક્ષો દ્વારા શાસિત રાજ્યોમાં પણ લાખો યુવાનોને નિમણૂક પત્રો સોંપવામાં આવ્યા હતા. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, હરિયાણામાં નવી રચાયેલી સરકાર દ્વારા 26,000 યુવાનોને રોજગારી મળવાની સાથે ઉત્સવનું વાતાવરણ છે. નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, હરિયાણામાં તેમની સરકાર કોઈ પણ પ્રકારનાં ખર્ચ કે ભલામણ વિના નોકરી આપવાની વિશેષ ઓળખ ધરાવે છે. તેમણે હરિયાણાના 26,000 યુવાનોને શુભેચ્છા પાઠવી હતી, જેમને આજે તેમના નિમણૂક પત્રો સોંપવામાં આવશે, ઉપરાંત આજના રોજગાર મેળામાં 51,000 નોકરીઓ આપવામાં આવશે.

પ્રધાનમંત્રીએ સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો કે, દેશનાં યુવાનોને મહત્તમ રોજગારી મળવી જોઈએ. સરકારની નીતિઓ અને નિર્ણયોની રોજગારીના સર્જન પર સીધી અસર પડે છે તેની નોંધ લઈને પ્રધાનમંત્રીએ એક્સપ્રેસવે, હાઇવે, રોડ, રેલ, બંદર, એરપોર્ટ, ફાઇબર કેબલ પાથરવા, મોબાઇલ ટાવરની સ્થાપના અને દેશના તમામ ભાગોમાં નવા ઉદ્યોગોના વિસ્તરણના વિકાસ પર પ્રકાશ પાડ્યો હતો. જળ અને ગેસ પાઇપલાઇન નાંખવા, નવી શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓની સ્થાપના તથા માળખાગત સુવિધા પર ખર્ચ કરીને માલપરિવહનનો ખર્ચ ઘટાડવાનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ કહ્યું હતું કે, તેનાથી નાગરિકોને લાભ થવાની સાથે રોજગારીની નવી તકો પણ ઊભી થઈ રહી છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, જ્યારે પણ કોઈ યોજના શરૂ કરવામાં આવે છે, ત્યારે તેનું ધ્યાન માત્ર નાગરિકોને મળતા લાભ પર જ કેન્દ્રિત નથી થતું, પણ રોજગારીના સર્જનની સંપૂર્ણ ઇકોસિસ્ટમ વિકસાવવા પર પણ કેન્દ્રિત હોય છે, જેનો વ્યાપક ક્ષેત્રમાં વિચાર કરીને એક માધ્યમ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, છેલ્લા 6 મહિનામાં લગભગ 2 કરોડ ગ્રાહકોએ આ યોજના માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે, 9,000થી વધુ વિક્રેતાઓ આ યોજના સાથે જોડાયેલા છે, 5 લાખથી વધુ ઘરોમાં સોલર પેનલ લગાવવામાં આવી ચૂકી છે અને નજીકના ભવિષ્યમાં આ યોજના હેઠળ 800 સોલર વિલેજને મોડલ બનાવવાની યોજના છે.

તેમણે એમ પણ નોંધ્યું હતું કે 30,000 લોકોએ રૂફ-ટોપ સોલર ઇન્સ્ટોલેશન માટેની તાલીમ પણ લીધી હતી. તેમણે ઉમેર્યું હતું કે, એટલે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાની આ એક યોજનાએ દેશભરમાં ઉત્પાદકો, વિક્રેતાઓ, એસેમ્બલર્સ અને રિપેરર્સ માટે રોજગારીની અનેક તકો ઊભી કરી છે. છેલ્લાં 10 વર્ષમાં સરકારની નીતિઓથી ભારતનાં ખાદી ઉદ્યોગની કાયાપલટ થઈ છે અને ગામડાંઓમાં લોકો પર તેની અસર થઈ છે તેની નોંધ લઈને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ખાદી ગ્રામ ઉદ્યોગનો વ્યવસાય આજે 1.5 લાખ કરોડને વટાવી ગયો છે. 10 વર્ષ અગાઉની સરખામણીએ પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ખાદીનું વેચાણ 400 ટકા સુધી વધ્યું છે, જેનાથી કલાકારો, વણકરો અને વ્યવસાયોને લાભ થશે અને રોજગારીની નવી તકોનું સર્જન પણ થશે.

નરેન્દ્ર મોદીએ લખપતિ દીદી યોજના વિશે પણ વાત કરી હતી, જેમાં ગ્રામીણ મહિલાઓને નવી રોજગારી અને સ્વરોજગારીની તકો પ્રદાન કરવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, “છેલ્લાં દાયકામાં 10 કરોડથી વધારે મહિલાઓ સ્વસહાય જૂથોમાં સામેલ થઈ છે.” તેમણે જણાવ્યું હતું કે, અત્યારે 10 કરોડ મહિલાઓ આર્થિક પ્રવૃત્તિઓમાં સામેલ છે. તેમણે દરેક પગલામાં સરકાર દ્વારા પૂરા પાડવામાં આવેલા સમર્થનને શ્રેય આપ્યો અને ૩ કરોડ લખપતિ દીદી બનાવવાની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી. તેમણે ઉમેર્યું હતું કે, “અત્યાર સુધીમાં 1.25 કરોડથી વધારે મહિલાઓ લખપતિ દીદી બની ચૂકી છે, જે તેમની વાર્ષિક આવક રૂ. 1 લાખથી વધારે છે.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ આગેકૂચ કરી રહ્યું છે. દેશની પ્રગતિ પર પ્રકાશ પાડતા, તેમણે ભારતના યુવાનો દ્વારા કરવામાં આવેલી પૂછપરછની નોંધ લીધી હતી, જેઓ ઘણીવાર પૂછે છે કે શા માટે દેશે આ ગતિ અગાઉ પ્રાપ્ત કરી ન હતી. અગાઉની સરકારોમાં સ્પષ્ટ નીતિઓ અને ઇરાદાના અભાવમાં જ આનો જવાબ છુપાયેલો છે એ બાબત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, ભારત કેટલાંક ક્ષેત્રોમાં, ખાસ કરીને ટેકનોલોજીમાં પાછળ રહી ગયું છે.

તેમણે યાદ અપાવ્યું કે ભારત વિશ્વભરમાંથી નવી ટેકનોલોજી માટે રાહ જોતું હતું અને પશ્ચિમમાં જેને જૂનું માનવામાં આવતું હતું તે આખરે રાષ્ટ્ર સુધી પહોંચશે. તેમણે લાંબા સમયથી ચાલી આવતી માન્યતા તરફ ધ્યાન દોર્યું હતું કે આધુનિક ટેક્નોલૉજી ભારતમાં વિકસાવી શકાતી નથી, જેણે ભારતને વિકાસની દ્રષ્ટિએ પાછું ખેંચી લીધું છે એટલું જ નહીં, પરંતુ દેશને રોજગારીની મહત્ત્વપૂર્ણ તકોથી પણ વંચિત રાખ્યો છે.

દેશને આ જૂની વિચારસરણીમાંથી મુક્ત કરવા માટે લેવામાં આવેલા પગલાઓનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપીને અંતરિક્ષ, સેમીકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિક વાહનો જેવા ક્ષેત્રોમાં આ જૂની માનસિકતામાંથી મુક્ત થવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ ટેકનોલોજીકલ પ્રગતિ અને રોકાણનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને ઉમેર્યું હતું કે, પીએલઆઈ યોજના ભારતમાં નવી ટેકનોલોજી અને વિદેશી સીધાં રોકાણને લાવવા માટે શરૂ કરવામાં આવી હતી, જેણે મેક ઇન ઇન્ડિયા પહેલ સાથે જોડાણ કરતાં રોજગારીનાં સર્જનને વેગ આપ્યો છે.

તેમણે નોંધ્યું હતું કે, દરેક ક્ષેત્રને હવે પ્રોત્સાહન મળી રહ્યું છે, જે વિવિધ ક્ષેત્રોમાં યુવાનો માટે તકો પ્રદાન કરે છે. તેમણે કહ્યું હતું કે, “અત્યારે ભારતમાં મોટા પાયે રોકાણ થઈ રહ્યું છે અને વિક્રમી તકોનું સર્જન થઈ રહ્યું છે.” તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લાં આઠ વર્ષમાં 1.5 લાખથી વધારે સ્ટાર્ટઅપ્સ શરૂ કરવામાં આવ્યાં છે, જેણે ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ ક્ષેત્રો આપણા યુવાનોને વૃદ્ધિ અને રોજગારી મેળવવાની તક આપી રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો કે, ભારતનાં યુવાનોની ક્ષમતા વધારવા માટે સરકાર અત્યારે કૌશલ્ય વિકાસ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.એટલે સરકારે સ્કિલ ઇન્ડિયા જેવા અભિયાનો શરૂ કર્યા છે અને યુવાનોને ઘણાં કૌશલ્ય વિકાસ કેન્દ્રોમાં તાલીમ આપવામાં આવી રહી છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, ભારતનાં યુવાનોને અનુભવ અને તક માટે ભટકવું ન પડે એ સુનિશ્ચિત કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાને ટાંકીને નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારતની ટોચની 500 કંપનીઓમાં પેઇડ ઇન્ટર્નશિપ માટે જોગવાઈ કરવામાં આવી છે, જેમાં દરેક ઇન્ટર્નને એક વર્ષ માટે દર મહિને રૂ. 5,000 આપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકારનો લક્ષ્યાંક આગામી 5 વર્ષમાં એક કરોડ યુવાનોને ઇન્ટર્નશિપની તકો મળે એ સુનિશ્ચિત કરવાનો છે, તેનાથી યુવાનોને વિવિધ ક્ષેત્રોમાં વાસ્તવિક જીવનનાં વ્યાવસાયિક વાતાવરણ સાથે જોડાવાની તક મળશે અને તેમની કારકિર્દીમાં લાભદાયક અનુભવનો ઉમેરો થશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત સરકાર ભારતીય યુવાનોને વિદેશમાં રોજગારી મેળવવાનું સરળ બનાવવા માટે નવી તકોનું સર્જન કરી રહી છે. તાજેતરમાં જાહેર થયેલી જર્મનીની ભારત માટે સ્કિલ્ડ લેબર સ્ટ્રેટેજીનો ઉલ્લેખ કરીને નરેન્દ્ર મોદીએ જાણકારી આપી હતી કે, જર્મની દર વર્ષે કુશળ ભારતીય યુવાનોને અપાતા વિઝાની સંખ્યા 20 હજારથી વધારીને 90,000 કરી દે છે. તેમણે ઉમેર્યું હતું કે, તેનાથી ભારતની યુવા પેઢીને ઘણો લાભ થશે.

પીએમ મોદીએ એમ પણ જણાવ્યું હતું કે, ભારતે તાજેતરનાં વર્ષોમાં 21 દેશો સાથે સ્થળાંતર અને રોજગારી સાથે સંબંધિત સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં ખાડીનાં દેશો ઉપરાંત જાપાન, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જર્મની, મોરેશિયસ, ઇઝરાયલ, યુકે અને ઇટાલી જેવા દેશો સામેલ છે. તેમણે નોંધ્યું હતું કે દર વર્ષે 3 હજાર ભારતીયોને યુકેમાં કામ કરવા અને અભ્યાસ કરવા માટે 2 વર્ષના વિઝા મળી શકે છે જ્યારે 3 હજાર ભારતીય વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવાની તક મળશે. શ્રી મોદીએ કહ્યું હતું કે, “ભારતની પ્રતિભા માત્ર ભારતની પ્રગતિને જ નહીં, પણ વિશ્વની પ્રગતિને પણ દિશા આપશે.” તેમણે ઉમેર્યું હતું કે, ભારત એ દિશામાં આગળ વધી રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code