દિલ્હીઃ દુનિયાના મોટાભાગના દેશો કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. તેમજ કોરોનાનું નવુ સ્વરૂપ મળી આવતા ભયનો માહોલ સર્જાયો છે. બીજી તરફ બ્રિટન અને અમેરિકા સહિતના દેશોમાં કોરોનાની રસીકરણનું કામ તેજીથી ચાલી રહ્યું છે. દરમિયાન બ્રિટનમાં અત્યાર સુધીમાં 6 લાખથી વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. જ્યારે અમેરિકામાં 10 લાખથી વધુ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયા સુધીમાં કોરોના સામે બે કરોડ લોકોને રસી આપવાનો અમેરિકાએ દાવો કર્યો છે.
યુએસ હેલ્થ એજન્સી સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડિરેકટર રોબર્ટ રેડફિલ્ડે જણાવ્યું હતું કે, અમેરિકામાં 10 લાખથી વધુ લોકોને કોરોના રસી મળી છે. આ એક પ્રાથમિક પરંતુ મહત્વપૂર્ણ સિદ્ઘિ છે. રસીકરણ અભિયાન યોગ્ય દિશામાં ચાલી રહ્યું છે. જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયા સુધીમાં બે કરોડ લોકોને રસી આપવામાં આવે તેવી સંભાવના છે. રસી વિતરણ અભિયાનના વડા જનરલ ગુસ્તાવ પારનાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં દેશભરના પ્રાંતોમાં એક કરોડ 55 લાખ રસી મોકલવામાં આવી છે. વર્ષના અંત સુધીમાં લગભગ 50 લાખ ડોઝ મોકલવામાં આવશે.