Site icon Revoi.in

રાજકોટમાં જાહેર રસ્તાઓ પર 100થી વધુ CCTV કેમેરા બંધ, મ્યુનિને કંઈ પડી જ નથી

Social Share

 રાજકોટઃ  શહેરમાં સ્માર્ટસિટી યોજના અંતર્ગત વર્ષ 2017માં આઈવે પ્રોજેક્ટના કામો હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં મંજુરી મળ્યાને એક વર્ષ બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગે પર 1000 જેટલા સીસીટીવી લગાવવામાં આવ્યા હતા. જે પૈકી શહેરના 23 જેટલા મુખ્ય માર્ગો પરના 100 જેટલા સીસીટીવી કેમેરા ઘણા લાંભા સમયથી બંધ હાલતમાં છે.  જાહેર માર્ગો પરના સીસીટીવી કેમેરા પોલીસ માટે મહત્વના છે. કારણે ગુનાઓના ઉકેલ માટે સીસીટીવી કેમેરાના કૂટેજ મદદરૂપ બનતા હોય છે. આ અંગે પોલીસ વિભાગે મ્યુનિ.કોર્પોરેશનને અગાઉ અનેકવાર રજુઆતો કરવા છતાંયે મ્યુનિ.કોર્પોરેશન સંબંધિત એજન્સીને સીસીટીવી મરામત કરવાનું કહી શકતી નથી.

રાજકોટ શહેરનોનો વર્ષ 2017માં સ્માર્ટ સિટી યોજના અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજ્કોટમાં માળખાગત સુવિધા વધારવા માટે અલગ અલગ કામો કરવામાં આવી રહ્યા છે. તે પૈકીનું એક કામ આઈ-વે પ્રોજેક્ટનું હતું. આ પ્રોજેક્ટ હેઠળ શહેરના અલગ અલગ વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે 1000 સીસીટીવી લગાવવામાં આવ્યા હતા. જે પૈકીના મુખ્ય 23 રસ્તાઓ પરના 100 જેટલા સીસીટીવી બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. આ બાબતે પોલીસ વિભાગ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતા મ્યુનિ.ના સત્તાધિશો જે તે એજન્સી પાસે સમયસર કામ કરાવી શકતા નથી. કામગીરીમાં કોઈને રસ ન હોય તેમ માત્ર પોલીસ વિભાગ જ સૌથી વધુ ઉપયોગ કરતું હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે. સ્માર્ટ સિટીની ત્રીજા તબક્કાની યાદીમાં 30 શહેરોમાં રાજકોટનો ત્રીજા નંબર પર સમાવેશ કરવામાં આવ્યો હતો. 23-06-2017ના રોજ કેન્દ્ર સરકારે જારી કરેલી યાદીમાં રાજકોટ શહેરનું નામ સ્માર્ટ સિટી તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 01-07-2018ના રોજ કેન્દ્ર સરકારની શહેરી વિકાસ મંત્રાલયે પ્રથમ તબક્કામાં 194 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરી હતી અને 17-09-2018ના રોજ વધુ 100 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. ત્યારબાદથી સરકાર તરફથી મળતી ગ્રાન્ટમાંથી રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનને અલગ-અલગ તબક્કામાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હાથ ધરી રહી છે.

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વર્ષ 2018માં  શહેર પોલીસ સાથે મળી આઇ-વે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. રાજકોટ શહેરમાં આઇ-વે પ્રોજેક્ટ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરી સૌપ્રથમ 450 કેમેરા શહેરના મુખ્ય માર્ગો પર મૂકવામાં આવ્યા હતાં. ત્યારબાદ તબક્કાવાર વધુ કેમેરા ઇન્સ્ટોલ કરી હાલમાં 1000થી વધુ કેમેરા અલગ-અલગ જગ્યાએ મુકવામાં આવ્યા છે. રાજકોટ આઇ-વે પ્રોજેક્ટનો ઉપયોગ રાજકોટ પોલીસ અને મ્યુનિ.કોર્પોરેશન બંને કરી રહી છે. રાજકોટ શહેરમાં થતા ગુનાને શોધવા અને ટ્રાફિક નિયમનો ભંગ કરતા લોકો સામે ઝડપથી કાર્યવાહી માટે રાજકોટ પોલીસ આ પ્રોજેક્ટનો ઉપયોગ કરી રહી છે. તો મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પણ આ પ્રોજેક્ટના ઉપયોગ માટે ખાસ નાનામવા સર્કલ ખાતે કમાન્ડ એન્ડ ઇન્ટીગ્રેટેડ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. જો કે, આજે 1000 પૈકી 100થી વધુ કેમેરા બંધ હાલતમાં છે. વારંવારની રજૂઆતને અવગણી હજુ સુધી આ કેમેરા ચાલુ કરાવવામાં આવ્યા નથી, જેના કારણે અનેક ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા કે ગુનેગારોને શોધવામાં પોલીસને મુશ્કેલી સર્જાઈ રહી છે.