અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. હિમાંશુ પંડ્યાની કૂલપતિપદની ટર્મ 30 જૂને પુરી થઈ રહી છે, ત્યારે સર્ચ કમિટી દ્વારા કૂલપતિની પસંદગી માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. કૂવપતિનું પદ મેળવવા માટે 100 વધુ ઉમેદવારોએ અરજીઓ કરી છે. જેમાં સૌથી વધુ પ્રોફેસરોનો સમાવેશ થાય છે. કેટલાક સંઘ અને ભાજપ સાથે સંકળાયેલા પ્રોફેસરોએ કૂલપતિપદ મેળવવા માટે લોબિંગ શરૂ કર્યું છે. આગામી દિવસમાં સ્ક્રુટીની કરીને 3 નામ ફાઇનલ કરવામાં આવશે.જોકે હવે 3 દિવસ બાકી છે પરંતુ નવા કુલપતિનું નામ જાહેર થાય તેવી શકયતા ઓછી છે. એટલે કૂલપતિનો ચાર્જ કોઈ સિનિયર પ્રોફેસરને સોંપવામાં આવે તેવી શક્યતા છે. એટલે ઈન્ચાર્જ કૂલપતિથી યુનિ.નો વહિવટ ચલાવવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ માટેની સર્ચ કમિટી દ્વારા જાહેરાત આપીને અરજી મંગાવવામાં આવી હતી. યુનિવર્સિટીના કુલપતિ બનવા ઇચ્છુક 100 થી વધુ શિક્ષણવિદોએ અરજીઓ કરી હતી. જેમાં 60 અરજીઓ યોગ્ય હોવાથી તેને અગ્રેસર રાખવામાં આવી છે. જોકે આગામી દિવસમાં સ્ક્રુટીની કરવામાં આવશે. સર્ચ કમિટી 3 નામોની પસંદગી કરીને સરકારને ભલામણ કરશે. રાજ્ય સરકાર દ્વારા ત્રણ નામમાંથી કોઈ એક નામની પસંદગી કરીને કૂલપતિના નામની જાહેરાત કરવામાં આવશે,
અત્રે ઉલ્લેખનીય છે. કે, ગુજરાતમાં 9 યુનિવર્સિટીનો વહિવટ ઇન્ચાર્જ કુલપતિથી ચાલી રહ્યો છે. ગુજરાત યુનિવર્સિટી સૌથી મોટી યુનિવર્સિટી છે, જેથી તેને ઇન્ચાર્જ નહીં પરંતુ નિયમિત કુલપતિ નિમવા માટે સિન્ડિકેટના સભ્યોએ માગણી કરી છે..જોકે હવે 3 દિવસનો જ સમય બાકી છે અને પ્રક્રિયા બાકી છે જેથી 1 જુનથી ગુજરાત યુનિવર્સિટીમાં પણ ઇન્ચાર્જ કુલપતિની નિમણુક કરવામાં આવે તેવી શકયતા છે. અત્યારે યુનિવર્સિટીમાં ડીન પણ નથી માટે રજિસ્ટ્રાર અથવા સિનિયર પ્રોફેસરને ઇન્ચાર્જ કુલપતિ બનાવવામાં આવી શકે છે.