Site icon Revoi.in

માત્ર 17 વર્ષની ઉંમરમાં ગુનાખોરીની દુનિયામાં પગ મુકનાર અતિક અહેમદ સામે 100થી વધારે ગુના

Social Share

લખનૌઃ ગેંગસ્ટરમાંથી રાજનેતા બનેલા કુખ્યાત અતિક અહેમદની સામે વર્ષ 1985થી અત્યાર સુધીમાં 100થી વધારે ફરિયાદ નોંધાઈ છે. જેમાં હત્યા, ખંડણી સહિતના ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે. 12 કેસમાં તેને કોર્ટે છોડી મુક્યો હતો. જ્યારે 50 કેસ પેન્ડીંગ છે, જ્યારે બે કેસ તત્કાલિક સમાજવાદી પાર્ટી સરકારે વર્ષ 2004માં પરત ખેંચ્યાં હતા. અતિકના ભાઈ અશરફ સામે પણ 53 જેટલા કેસ નોંધાયેલા છે. જે પૈકી એક કેસમાં તેનો છુટકારો થયો છે, જ્યારે અન્ય કેસ પેન્ડીંગ છે, આમ અતિક અહેમદ અને પરિવાર સામે કુલ 165 જેટલા કેસ ચાલી રહ્યાં છે. હવે અતિક અહેમદની ગુનાખોરીની દુનિયામાં તેના ભાઈ ઉપરાંત તેના સંતાનોએ પણ પ્રવેશી ચુક્યાં છે. તેની પત્ની પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.

ઉત્તરપ્રદેશનો કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદ અને તેના ભાઈ અશરફને ચુસ્ત સુરક્ષા વચ્ચે પ્રયાગરાજની જેલમાં લાવવામાં આવ્યાં હતા. ઉત્તરપ્રદેશમાં ચકચારી ઉમેશપાલ હત્યા કેસમાં અતિક અને તેના ભાઈ અશરફની સંડોવણી બહાર આવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. અતિક અહેમદ સામે વર્ષ 2004માં તત્કાલિન બસપા ધારાસભ્ય રાજુ પાલની હત્યાનો આરોપ છે. આ ઉપરાંત રાજુ પાલ હત્યા કેસના સાક્ષી ઉમેશપાલનું અગાઉ અપહરણ અને હત્યા કેસમાં પણ સંડોવણી સામે આવી છે. ઉમેશપાલ હત્યા કેસમાં અતિક અને તેના પરિવાર સામે ગુનો નોંધાયેલો છે.

વર્ષ 1979માં અલ્હાબાદના ચાકિયા મહોલ્લાના ફિરોઝ અહેમદ પરિવાર સાથે રહેતો હતો તેઓ છુટક મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેમનો દીકરો અતિક હાઈસ્કૂલમાં નાપાસ થયો હતો. જે બાદ અભ્યાસમાં મન નહીં લાગતા ઝડપથી પૈસા કમાવવાની લાલચમાં ગુનાખોરીની દુનિયમાં પ્રવેશ્યો હતો. માત્ર 17 વર્ષની ઉંમરમાં જ ખંડણી વસુલી સહિતના ગેરકાનૂની કામગીરી કરવા લાગ્યો હતો. એટલું જ નહીં 17 વર્ષની ઉંમરમાં જ તેની ઉપર હત્યાનો આરોપ લાગ્યો હતો. આ સમયે સમગ્ર શહેરમાં ચાંદ બાબાનો દબદબો હતો અને પોલીસ-રાજકીય નેતાઓ ચાંદ બાબાના આ દબદબાને ખતમ કરતા માંગતા હતા. બીજી તરફ 17 વર્ષની ઉંમરે જ હત્યાના ગુનોમાં ફરિયાદ નોંધાયા બાદ અતિક પણ બેખૌફ થઈ ગયો હતો. તેમજ પોલીસ અને રાજકીય નેતાઓનો પણ તેને સહકાર મળ્યો હતો, આમ ચાંદ બાબા સામે અતિક ખતરનાક સાબિત થયો હતો.

લખનૌમાં વર્ષ 1995માં સર્જાયેલા ગેસ્ટહાઉસ કાંડમાં અતિક અહેમદ મુખ્ય આરોપીઓ પૈકીનો એક હતો. માયાવતી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. માયાવતીએ આ કેસમાં અનેક આરોપીઓને માફ કર્યાં છે પરંતુ અતિકને રાહત આપી ના હતી. માયાવતી સત્તામાં આવતા જ અતિકની ઉલટી ગણતરી શરૂ થઈ હતી. તેની સંપતિ ઉપર બુલડોઝર ચલાવવાની સાથે તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. અતિકે ગુનાખોરીમાં આગળ વધવાની સાથે રાજકીય આશરો મળવાની સાથે રાજકારણમાં પણ પ્રવેશ મેળવ્યો હતો. વર્ષ 2004માં ફુલપુર લોકસભા ચૂંટણીમાં બાહુબલી નેતા અતિક અહેમદને સપાએ ટીકીટ આપી હતી અને અતિક જીતીને સંસદમાં પહોંચ્યો હતો. આ પહેલા અલ્હાબાદ પશ્ચિમ વિધાનસભા સીટનો ધારાસભ્ય હતો.

અતિક સાંસદ બનતા તેની ખાલી પડેલી વિધાનસભાની બેઠક ઉપર પેટાચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ અતિકના ભાઈ અશરફને મેદાનમાં ઉતાર્યો હતો. જ્યારે બસપાએ રાજુ પાલને ચૂંટણી જંગમાં ઉતાર્યો હતો. આ ચૂંટણીમાં રાજુ પાલની જીત થઈ હતી. અશરફની હારથી અતિક ગેંગમાં ખળભળાટ મચી ગયો હતો. જો કે, રાજુ પાલની જીતની ખુશી લાંબો સમય ચાલી ના હતી. 25 જાન્યુઆરી 2005ના રોજ સરાજાહેર રાજુ પાલની હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં રાજુ સિવાય દેવી પાલ અને સંદીપ યાદવ નામની વ્યક્તિના પણ મૃત્યુ થયાં હતા. આ હત્યાકાંડમાં તત્કાલિન સાંસદ અતિક અહેમદ અને તેના ભાઈ અશરફની સંડોવણી સામે આવી હતી. આ હત્યા પ્રકરણને મામલે બસપાએ અતિક અહેમદ સામે મોરચો માંડ્યો હતો. બીજી તરફ રાજુ પાલની પત્ની પુજાએ સાંસદ અતિક અહેમદ, અશરફ, ખાલિદ સામે નામજોગ ફરિયાદ નોંધાવી હતી.

રાજુપાલની હત્યા કેસમાં ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતો. ઉમેશ પાસે જીવનું જોખમ વ્યક્ત કરતા તેને પોલીસ સુરક્ષા પુરી પાડી હતી. આ કેસમાં 6 એપ્રિલ 2005ના રોજ આતિક અને અશરફ સહિત 11 આરોપીઓ સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. દરમિયાન 12મી ડિસેમ્બર 2008ના રોજ કેસની તપાસ સીઆઈડીને સોંપવામાં આવી હતી. 22મી જાન્યુઆરી 2016ના રોજ સીઆઈડીની તપાસની સામે નારાજગી વ્યક્ત કરીને રાજુ પાલના પરિવારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યાં હતા. જેથી કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર 20મી ઓગસ્ટ 2019ના રોજ સીબાઈએ નવેસરથી ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી. દરમિયાન 24મી ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજમાં કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની સરાજાહેર હત્યા કરવામાં આવી હતી.