- અડાલજ હાઈવે પરની જમીનો ગૌચરની હોવાથી દબાણો ખડકાયેલા હતા,
- કોઈ કારણોસર દબાણો હટાવાતા નહોતા,
- દબાણોને કારણે હાઈવે પરની ટ્રાફિકની સમસ્યા વકરી હતી.
ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં ગૌચરની જમીન પર વર્ષોથી કરાયેલા દબાણો દૂર કરવા માટે આદેશ કરાયા બાદ શહેર નજીક અડાલજમાં ગૌચરની જમીન પરના કાચા-પાકા 100થી વધુ દબાણો દુર કરવામાં આવ્યા હતા. ગૌચર જમીન ઉપર ખડકાયેલા કાચા અને પાકા દબાણોના કારણે ટ્રાફિકની સમસ્યા પણ વિકટ બની ગઇ હતી. આથી ગામની ગૌચર જમીન ઉપર ખડકાયેલા કાચા અને પાકા દબાણોને જિલ્લા કલેક્ટરની ટીમ દ્વારા દુર કરવામાં આવ્યા હતા. તેમાં ગૌચર જમીનના સર્વે નંબર-410, 411, 412 અને 328ની 4600 ચો.મી. જમીનને દબાણકારોએ અડિંગો જમાવ્યો હતો. દબાણો દુર થતાં ગૌચર જમીન ખુલ્લી જતા ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળ્યો છે.
અડાલજ ગામની ગૌચરની જમીન પર વર્ષોથી દબાણો કરાયેલા હતા. દરમિયાન ગૌચરની જમીન નજીકથી મુખ્ય રોડ હોવાથી દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યા પણ વિકટ બની હતી. રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિક સમસ્યાને નાથવા માટે નાના રોડને ફોર તથા સિક્સલેન પહોળા બનાવવામાં આવી રહ્યા છે. જોકે રોડ પહોળા થવા છતાં બન્ને સાઇડમાં ખડકાયેલા દબાણોના કારણે રોડ પહોળા હોવા છતાં તેનો લાભ વાહન ચાલકોને નહી મળવાથી ટ્રાફિક સમસ્યા યથાવત રહેવા પામે છે. આવી જ સ્થિતિ જિલ્લાના અડાલજ ગામની હતી. અમદાવાદથી મહેસાણા હાઇવે ઉપર આવેલા અડાલજ ગામની ગૌચર જમીન ઉપર કાચા પાકા દબાણો ખડકાઇ ગયા હતા. આથી વાહનોના આડેધડ પાર્કિંગને પગલે નાના મોટા અકસ્માતની સાથે સાથે ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો નહી મળવાથી તેની જિલ્લા કલેક્ટર કચેરીમાં ફરીયાદ કરવામાં આવી હતી. આથી જિલ્લા કલેક્ટર કચેરીની ટીમ દ્વારા રવિવારના દિવસે અડાલજથી મહેસાણા જતા હાઇવેની બન્ને સાઇડમાં આવેલી 4600 ચો.મી. ગૌચર જમીન ઉપર હોટલ, પાન-મસાલાની દુકાનોનું દબાણ ઉભું થઇ ગયું હતું. જોકે આ દબાણને કોઇપણ કારણસર દુર કરવામાં આવતું નહી હોવાથી તેનાથી વાહનોનું આડેધડ પાર્કિંગ કરવામાં આવતું હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી. ઉપરાંત હાઇવેની બાજુમાં જ આડેધડ વાહનોના પાર્કિંગને પગલે નાના મોટા અકસ્માતના બનાવો બની રહ્યા હતા. આથી અડાલજ ગામની ગૌચર જમીનના સર્વે નંબર-410, 411, 412 અને 328 ઉપર આવેલા દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ દબાણોમાં કાચા- પાકા દબાણો સાથે લારી ગલ્લા, દુકાનો, હોટલ, મોલના શેડ, હોર્ડિગ્સ જેવા અનેક દબાણ દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ દૂર કરવાથી સરકારની ગૌચર જમીનમાં ઉભા થયેલા દબાણ કરાયેલ 4600 ચો.મી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.