વર્લ્ડકપની ફાઈનલ નિહાળવા માટે PM મોદી સહિત 100થી વધારે VVIP અમદાવાદ આવશે
અમદાવાદઃ આઈસીસી વર્લ્ડકપની ફાઇનલ મેચને નીહાળવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન અને ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિ મંડળ ઉપસ્થિત રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી તથા અન્ય રાજ્યોમાં મુખ્યમંત્રી, સુપ્રીમ કોર્ટ અને વિવિધ રાજ્યોની હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ, દેશના જાણીતા ઉદ્યોગપતિઓ, ભારત સરકારના મંત્રીઓ, સિંગાપોર, અમેરિકા અને યુએઈના રાજદૂત, જાણીતા ઉદ્યોગપતિઓ સહિત 100થી વધારે વીવીઆઈપી મહેમાન અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ફાઈનલ નિહાળવા આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. VVIP મહેમાની સુરક્ષાને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ફાઈનલ મેચને નીહાળવા માટે કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુર, જ્યોતિરાદિત્ય સિંધિયા, RBI ગવર્નર શક્તિકાંત દાસ, યુએસ એમ્બેસેડર એરિક ગેસેટ્ટી, આસામના સીએમ હિંમત બિસ્વા સરમા, ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સ, ભારતમાં ઓસ્ટ્રેલિયાના રાજદૂત ફિલિપ ગ્રીન, ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્ની અને સામાજીક આગેવાન નીતા અંબાણી, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને અન્ય રાજ્યની અદાલતોના ન્યાયાધીશો, યુએઈના રાજદૂત અબ્દુલનાસર જમાલ અલશાલી, મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા, યુએસએ એમ્બેસેડર એરિક ગારસેટી, સિંગાપોરના ગૃહ પ્રધાન સંગમ, તમિલનાડુ યુટી કલ્યાણ રમત મંત્રી ઉધયનિધિ સ્ટાલિન અને ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ ઉપસ્થિત રહે તેવી શકયતા છે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાં રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહેવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. એટલું જ નહીં ફિલ્મ ઉદ્યોગના કલાકારો પણ સ્ટેડિયમમાં મેચ જોવા માટે આવે તેવી આશા છે.