રાજકોટઃ શહેરમાં ગુજરાતના સ્થપના દિન 1લીમેને બુધવારે લોકો માટે અટલ સરોવર ખુલ્લું મૂકવામાં આવતા પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યાં હતા. અટલ સરોવરમાં પ્રવેશ માટે ટિકિટ લેવામાં લાંબી લાઈનો જોવા મળી હતી. અટલ બ્રિજ સરોવરમાં લોકોએ ફાઉન્ટેઈન અને લેઝર શોની મોજ માણી હતી.
રાજકોટ શહેરના રૈયા સ્માર્ટ સીટી ખાતે 136 કરોડના ખર્ચે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નિર્માણ પામેલા અને ખાનગી કંપનીને સંચાલન માટે સોંપવામાં આવેલા અટલ સરોવરને ગુજરાત સ્થાપના દિને લોકો માટે ખુલ્લુ મૂકવામાં આવતા જ પ્રથમ દિવસે નવા પીકનીક પોઇન્ટ પર મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડયાં હતા. 10 હજાર જેટલા મુલાકાતીઓ ટીકીટ લઇને અટલ સરોવરમાં પહોંચ્યા હતા અને સાંજથી માંડી રાત્રી સુધી મોજ કરી હતી. અટલ સરોવર વિસ્તારમાં હજુ જુદી જુદી રાઇડસ સાથેનું એમ્યુઝમેન્ટ પાર્ક થોડા દિવસ બાદ કાર્યરત કરાશે. તળાવ ફરતેના રમણીય સ્થળઓએ ફરીને પણ લોકોને મોજ પડી ગઇ હતી રાત્રે 8 વાગ્યાથી શરૂ થયેલા લેસર શો પણ ચીચીયારીથી ગુંજી ઉઠ્યો હતો. યુવાધન ગરબે રમ્યું હતું. ડી.જે.ના તાલે નૃત્ય કર્યા હતા અને સેલ્ફી લેવા પણ હરિફાઇ કરી હતી.
આરએમસીના સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રથમ દિવસે સાંજથી રાત્રી સુધીમાં ટીકીટ સાથે 10 હજાર જેટલા મુલાકાતીએ અટલ સરોવરમાં પ્રવેશ મેળવ્યો હતો. આ જગ્યાએ લોકોને પ્રવેશ માટેનો સમય સવારે 6 થી રાત્રે 11 વાગ્યા સુધીનો નકકી કરવામાં આવ્યો છે. સવારે મોર્નિંગ વોક, જોગીંગ, સાયકલ ટ્રેક, ગાર્ડન સહિતની સુવિધાનો શહેરીજનોને લાભ મળશે. અટલ સરોવરને કનેકટ જ બીઆરટીએસના વિશાળ બસ સ્ટોપ બનાવવામાં આવ્યા છે. રાત્રે લોકો લેસર શો બાદ એક સાથે બહાર નીકળે એટલે થનારી ભીડને ધ્યાનમાં રાખીને બસ સ્ટોપની સાઇઝ વિસ્તારવામાં આવી છે.