Site icon Revoi.in

બેગુસરાયમાં કાળઝાળ ગરમી વચ્ચે સ્કૂલમાં 12થી વધારે વિદ્યાર્થિનીઓ બેભાન થઈને ઢળી પડી

Social Share

નવી દિલ્હીઃ ઉત્તરભારતમાં કાળઝાળ ગરમી પડી રહી છે જેથી અનેક લોકોની તબીયત લથડી છે. દરમિયાન બિહારના બેગુસરાયમાં કાળઝાળ ગરમીને પગલે શાળામાં અભ્યાસ કરતી 12થી વધારે વિદ્યાર્થિનીઓ બેભાન થઈને ઢળી પડતા તંત્ર દોડતું થઈ ગયું છે. હાલ તમામની સારવાર ચાલી રહી છે. બીજી તરફ ગરમીને કારણે શાળાઓમાં રજા જાહેર કરવાની માંગણી ઉઠી છે.

બેગુસરાયમાં વધી રહેલી ગરમી વચ્ચે 12થી વધુ સ્કૂલની વિદ્યાર્થિનીઓ અચાનક બેહોશ થઈ ગઈ હતી. બેભાન અવસ્થામાં વિદ્યાર્થિનીઓને ઉપાડીને મોટીહાની પીએચસીમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જ્યાં તમામની સારવાર ચાલી રહી છે. આ સમગ્ર મામલો મતિહાની પોલીસ સ્ટેશન વિસ્તારની મતિહાની મિડલ સ્કૂલનો છે. વાલીઓનું કહેવું છે કે, આકરી ગરમીમાં પણ બાળકોને રજા આપવામાં આવી નથી. શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ કે કે પાઠકે શાળાને બંધ કરવાનો આદેશ આપ્યો નથી. વાલીઓનું કહેવું છે કે, 42 થી 45 ડિગ્રી તાપમાનના કારણે બાળકો શાળામાં જ બીમાર પડી રહ્યા છે.

શિક્ષકોએ જણાવ્યું હતું કે કાળઝાળ ગરમીમાં શાળા સવારે 6 વાગ્યાથી ચાલે છે અને આ સમયે પણ ખૂબ જ ગરમી પડી રહી છે. આકરી ગરમીના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. શિક્ષકો અને વાલીઓએ બિહાર સરકારને આ સમસ્યાને ગંભીરતાથી લેવા જણાવ્યું હતું. સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અધિક મુખ્ય સચિવ કે.કે.પાઠકે કાળઝાળ ગરમીમાં શાળાઓ બંધ કરવાનો આદેશ જારી કરવો જોઈએ. આજે તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ છે. સરકારે આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ.